મહારાષ્ટ્ર અનલૉક ત્રણ : શું ચાલુ રહેશે? શું બંધ રહેશે?

મહારાષ્ટ્ર અનલૉક ત્રણ : શું ચાલુ રહેશે? શું બંધ રહેશે?
મુંબઈ, તા. 30 : કેન્દ્ર સરકારે અનલૉકનો ત્રીજો તબક્કો જાહેર કરતી વખતે જિમ અને વ્યાયામશાળા ખોલવાની સૂચના આપી હોવા છતાં મહારાષ્ટ્રની પરિસ્થિતિ જોતા અહીં ઇન્ડોર જિમ અને વ્યાયામ શાળા બંધ જ રહેશે, એવું રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે. રાજ્યમાં ફક્ત આઉટડોર જિમને સુરક્ષિત અંતર અને સ્વચ્છતાના નિયમ પાળીને પાંચમી અૉગસ્ટથી પરવાનગી આપવામાં આવી છે. 
કેન્દ્ર સરકારે બુધવારે `અનલૉક 3' અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પણ માર્ગદર્શક નિયમાવલી જાહેર કરી છે. તે મુજબ રાજ્યમાં 31મી અૉગસ્ટ સુધી લૉકડાઉન રહેશે અને કન્ટેનમેન્ટ ઝોનમાં અગાઉની જેમ જ પ્રતિબંધ લાગુ રહેશે. જોકે, અન્ય સ્થળોએ કેટલીક વધારાની સગવડો આપવામાં આવી છે. 
કેન્દ્ર સરકારે બુધવારે નવી અનલૉક માર્ગદર્શિકા બહાર પાડ્યાના કલાકોમાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પાંચ અૉગસ્ટથી સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મોલ અને માર્કેટ સંકુલને ફરીથી ખોલવા માટે લીલીઝંડી આપી હતી. જોકે, આ મંજૂરીઓમાં ઓર્ડરમાં થિયેટર્સ, ફૂડ કોર્ટ્સ, રેસ્ટોરાં કે જીમ સામેલ નથી. મોલની અંદરના રેસ્ટોરાં અને ફૂડ કોર્ટને હોમ ડિલિવરીની પરવાનગી આપવામાં આવશે. 
રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે સરકારી આદેશમાં જણાવ્યું છે કે લૉકડાઉન કેન્દ્રીય માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને 31 અૉગસ્ટ સુધી લંબાવાશે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં રાહત આપવામાં આવશે. લોકોને પરિવહનમાં સરળતા માટે હવેથી, કેબ કે ટેક્સીમાં ચાર, રિક્ષામાં ત્રણ અને બાઇક કે સ્કૂટર પર બે વ્યક્તિને પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે, બુધવારે પ્રધાનમંડળની બેઠકમાં મુખ્ય પ્રધાને પ્રધાનો સાથે અર્થતંત્ર પર કોરોનાના વિપરિત પ્રભાવ વિશે ચર્ચા કરી હતી. 
 ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ લોકડાઉન હળવા કરવા ઉત્સુક છે, પરંતુ અનલૉક સાવધાનીપૂર્વક થવું જોઈએ. મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં પ્રતિબંધ હળવા કરવા અને વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તબક્કાવાર કરવામાં આવશે. નવા અનલૉકમાં ટેક્સીમાં ચાર, રિક્ષામાં ત્રણ અને ટુ-વ્હીલર્સ પર બે વ્યક્તિને પ્રવાસની મંજૂરી આપવામાં આવશે.  
અગાઉ અપાયેલી છૂટછાટ મુજબ જ બજારોમાં આવશ્યક અને અન્ય વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. જાહેર સ્થળોએ દારૂ, પાન અને તમાકુનો વપરાશ પ્રતિબંધિત છે. લીકર શોપ હોમ ડિલિવરી કરી શકે છે. સરકારી કચેરીઓ 15 ટકા સ્ટાફ અથવા 15 કર્મચારીઓ સાથે કાર્ય કરશે, જ્યારે ખાનગી કચેરીઓ 10 ટકા કર્મચારી કે 10 વ્યક્તિ સાથે કાર્ય કરી શકે છે. પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, જંતુનાશક છંટકાવ કરનારા, ટેકનિશિયન, ગેરેજ મિકેનિક્સ જેવા વ્યવસાય કરનારાઓ પર હવે કોઈ પ્રતિબંધ નથી. 
 ઔદ્યોગિક એકમો અગાઉની જેમ જ કાર્યરત રહેશે. બાંધકામ સાઇટ્સ, હોમ ડિલિવરી રેસ્ટોરાં, અૉન-લાઇન ડિલિવરી અને ડિસ્ટન્સ લર્નિંગ, આવશ્યક અને અગત્યની વસ્તુઓ અને સામગ્રી માટેના ઈકૉમર્સ પર પણ કોઈ નિયંત્રણ નથી. જોકે, શાળાઓ, કૉલેજો અને કાચિંગ વર્ગો 31 અૉગસ્ટ સુધી બંધ રહેશે. મુંબઈ મેટ્રો રિજન (એમએમઆર)માં આંતર-જિલ્લા પરિવહન ફક્ત આવશ્યક અને અૉફિસના કામ માટે જ માન્ય છે.  બિન-જરૂરી કાર્ય માટે લાંબા અંતરની મુસાફરી પ્રતિબંધિત છે. 
એમએમઆરની બહાર, 50 ટકા ક્ષમતા સાથે આંતર-જિલ્લા બસ સર્વિસને મંજૂરી છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. લગ્ન સમારંભો, મેળાવડા પર પ્રતિબંધો ચાલુ રહે છે. જોકે, ગોલ્ફ, શાટિંગ, જિમ્નેસ્ટિક્સ, ટેનિસ, બેડમિન્ટન જેવી રમતો જેમાં ટીમો ન રમે એવી આઉટડોર પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો પાંચ અૉગસ્ટથી હળવા કરવામાં આવશે.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer