શ્રીકાંત અને સિંધુની આગેવાનીમાં થોમસ અને ઉબેર કપની ટીમ જાહેર

શ્રીકાંત અને સિંધુની આગેવાનીમાં થોમસ અને ઉબેર કપની ટીમ જાહેર
નવી દિલ્હી તા.11: વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ અને દુનિયાના પૂર્વ નંબર વન કિદામ્બી શ્રીકાંત આવતા મહિને રમાનાર થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટના ફાઇનલ્સ રાઉન્ડમાં ભારતની 20 ખેલાડીની ટીમની આગેવાની લેશે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતનાર બી. સાઇ પ્રણિતે ઇજાને લીધે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે.
મેન્સ સિંગલ્સમાં કે. શ્રીકાંતની સાથે પી. કશ્યપ અને યુવા ખેલાડી લક્ષ્ય સેન પર ભારતનો દારોમદાર રહેશે. ડબલ્સમાં મનુ અત્રી, બી. સુમિત રેડ્ડી, ધ્રુવ કપિલા, એનઆર અર્જુન અને કૃષ્ણા પ્રસાદને પસંદ કરાયા છે. ઉબેર કપમાં મહિલા ટીમની આગેવાની પીવી સિંધુ લેશે. પહેલા તેણે ટૂર્નામેન્ટમાંથી નામ ખેંચી લીધું હતું, પણ એસો.ના અધ્યક્ષ હેમંત વિશ્વાની દરમિયાનગીરી બાદ તે રમવા રાજી થઇ છે. મહિલા ટીમમાં સાઇના નેહવાલ, અશ્વિની પોનપ્પા અને સિકકી રેડ્ડી જેવી અનુભવી ખેલાડીઓ છે. થોમસ કપમાં ભારત ગ્રુપ સીમાં ડેનમાર્ક, જર્મની અને અલ્જીરિયા સાથે છે. જયારે ઉબેર કપમાં ભારતીય મહિલા ટીમ ગ્રુપ ડીમાં ચીન, જર્મની અને ફ્રાંસ સાથે છે. જો કે 14 વખતની ચેમ્પિયન ચીનની ટીમે કોરોના મહામારીને લીધે રમવાની હજુ પુષ્ટિ કરી નથી. 
ડેનમાર્ક ઓપન માટેના ખેલાડીઓ પણ ફાઇનલ થયા છે. જેમાં શ્રીકાંત, પીવી સિંધુ, સાઇના નેહવાલ, લક્ષ્ય સેન, અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી ભાગ લેશે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer