યુએસ ઓપનમાંથી સેરેના આઉટ : ફાઇનલમાં અજારેંકાની ટક્કર ઓસાકા સામે

યુએસ ઓપનમાંથી સેરેના આઉટ : ફાઇનલમાં અજારેંકાની ટક્કર ઓસાકા સામે
24મો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાનું સેરેનાનું સપનું ફરી તૂટયું 
ન્યૂયોર્ક, તા.11: સેરેના વિલિયમ્સનું રેકોર્ડ 24મો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાનું સપનું ફરી તૂટયું છે. યુએસ ઓપનના સેમિ ફાઇનલમાં સેરેનાની વિકટોરિયા અજારેંકા સામે હાર થઇ છે. બેલારૂસની આ ખેલાડીએ તેની મજબૂત પ્રતિસ્પર્ધી સામે 1-6, 6-3 અને 6-3થી જીત મેળવી હતી. સેરેનાએ શાનદાર શરૂઆત કરી હતી, પણ પગની ઇજાને લીધે તે બાકીના બે સેટમાં તેનું ફોર્મ જાળવી શકી ન હતી. અજારેંકાએ 2013 બાદ કોઇ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી છે. જયાં તેની ટકકર જાપાનની નાઓમી ઓસાકા સામે થશે. બે વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન ઓસાકાએ બીજા સેમિ ફાઇનલમાં અમેરિકી ખેલાડી જેનિફર બ્રાડીને 7-6, 3-6 અને 6-3થી હાર આપી હતી.
સેમિ ફાઇનલ દરમિયાન સેરેનાની પેનીમાં દર્દ હતું, આ માટે તેણીએ ટાઇમ આઉટ પણ લીધો હતો. બીજી તરફ પહેલો સેટ આસાનીથી હારી જવા છતાં અજારેંકાએ ધૈર્ય ગુમાવ્યું ન હતું અને ગ્રાંડસ્લેમના 11 મુકાબલામાં પહેલીવાર સેરેનાને હાર આપી હતી. અજારેંકાએ છેલ્લે 2013માં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. જયારે નાઓમી ઓસાકા 2018માં સેરેનાને હરાવીને યૂએસ ઓપનમાં ચેમ્પિયન બની હતી.
મેન્સ ડબલ્સમાં સોરેસ-પાવિચની જોડી ચેમ્પિયન
બ્રાઝિલનો બ્રૂનો સોરેસ અને ક્રોએશિયાના મેટ પાવિચ યુએસ ઓપનના મેન્સ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા છે. સોરેસ અને પાવિચની જોડીએ ફાઇનલમાં નેધરલેન્ડસના વેસ્લી કૂલહોફ અને ક્રોએશિયાના નિકોલા મેકટિચની જોડીને 7-પ5અને 6-3થી હાર આપી હતી. સોરસનો પુરુષ ડબલ્સમાં આ ત્રીજો અને પાવિચનો બીજો ગ્રાંડસ્લેમ ખિતાબ છે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer