ઓટોમોબાઈલનું વેચાણ ઓગસ્ટમાં નીચા સ્તરે વાર્ષિક ધોરણે 14 ટકા વધ્યું

ઓટોમોબાઈલનું વેચાણ ઓગસ્ટમાં નીચા સ્તરે વાર્ષિક ધોરણે 14 ટકા વધ્યું
મુંબઈ, તા. 11 : ઓગસ્ટ મહિનામાં ઓટોમોબાઈલનું કુલ વેચાણ સુધર્યું છે અને પેસેન્જર કાર, યુટિલિટી વાહન અને મોટરસાયકલ સહિતના મોટા ભાગના સેગમેન્ટમાં વૃદ્ધિ નોંધાવી છે.   પેસેન્જર કાર સેગમેન્ટમાં કુલ વેચાણ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 1,24,715 (1,09,277) યુનિટ્સનું થયું છે. યુટિલિટી વાહનનું વેચાણ 16 ટકા વધીને 81,842 (70,837) યુનિટ્સનું થયું હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ) એ રજૂ કરેલા આંકડાંમાં જણાવાયું છે.  
આ આંકડાં એકંદર પેસેન્જર વાહન વેચાણ 2,15,916 યુનિટ્સનું થયું હોવાનું દર્શાવે છે જે ઓગસ્ટ 2019ના કુલ 1,89,129 યુનિટ્સ કરતાં 14 ટકા વધારે છે.  
ટ-વ્હીલર સેગમેન્ટમાં મોટરસાયકલનું વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 10,32,476 (9,37,486) યુનિટ્સનું થયું છે. જોકે, સ્કૂટરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા ઘટીને 4,56,848 (5,20,898) યુનિટ્સનું થયું છે.  
સિયામના પ્રેસિડન્ટ કેનિચી આયુકાવાએ કહ્યું કે વૃદ્ધિની શરૂઆત થઈ હોવાનું જણાય છે, જે ઉદ્યોગમાં, ખાસ કરીને ટુ-વ્હીલર અને પેસેન્જર વાહન સેગમેન્ટમાં, ફરી વિશ્વાસનો સંચાર થયો હોવાનું દર્શાવે છે. ઓગસ્ટ મહિનામાં ઉદ્યોગમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાઈ છે છતાં એ બાબત નોંધાઈ છે કે ઓગસ્ટ 2019માં પાયાના આંકડાં ઘણા નીચા હતાં કારણકે ઉદ્યોગમાં વર્ષ 2018ની સરખામણીએ વર્ષ 2019માં પેસેન્જર વાહનમાં 32 ટકા અને ટુ-વ્હીલર ક્ષેત્રે 22 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવાઈ હતી.  
આયુકાવાએ કહ્યું કે આમ છતાં ઓગસ્ટમાં પેસેન્જર વાહનમાં 14 ટકા અને ટુ-વ્હીલરમાં ત્રણ ટકાની વૃદ્ધિ, માગ વૃદ્ધિ અને તહેવારની મોસમને કારણે, ઉદ્યોગ માટે સુધારાના સંકેત આપે છે. 
સિયામના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને કહ્યું કે કોવિડ-19ને કારણે લાગુ થયેલા લોકડાઉન પછી મંદીનો ગાળો રહ્યાં પછી ઓગસ્ટમાં ટુ-વ્હીલર્સ અને પેસેન્જર વાહનના વેચાણમાં સુધારો જોવાયો છે. જોકે, થ્રી-વ્હીલર સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 75 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આવનારા તહેવારોમાં ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ થશે તે બાબતે ઉદ્યોગને આશા છે.  
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer