ઈસીબીએ નાણાનીતિ જાળવી રાખતા સોનામાં નરમાઇ

ઈસીબીએ નાણાનીતિ જાળવી રાખતા સોનામાં નરમાઇ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 11 : યુરોપીયન સેન્ટ્રલ બેંકે ભાવિ ઉદ્દીપક પેકેજ અંગે કોઇ સંકેત નહીં આપતા સોનાનો ભાવ ઇન્ટ્રા ડેમાં વધ્યા પછી ઘટી ગયો હતો. ન્યૂયોર્કમાં સોનું 1946 થઇને આ લખાય છે ત્યારે 1940 ડોલર રનીંગ હતુ. ચાંદી પણ ઘટીને 26.79 ડોલર રહી હતી. અલબત્ત આર્થિક વિકાસ આડે હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા હોવાથી સોનામાં મોટી મંદી મુશ્કેલ દેખાય રહી છે. એકંદરે સોનું અઠવાડિક સુધારો નોંધાવવામાં સફળ રહ્યું હતુ. 
યુરોપીયન સેન્ટ્રલ બેંકે યુરો મજબૂત થાય તેવા કોઇ સંકેતો આપ્યા નથી. બીજી તરફ કોઇ ઉદ્દીપક પેકેજ અંગે પણ અણસાર આપ્યો નથી. જોકે ફુગાવાના પરિબળો કાબૂ હેઠળ છે એવું કહેતા સોનામાં સુધારો મુશ્કેલ બન્યો હોવાનું અભ્યાસુઓએ કહ્યું હતુ. જોકે અમેરિકાના ફુગાવાના આંકડાઓ શુક્રવારે જાહેર થવાના હતા તે કેવા આવે છે એના ઉપર સૌની નજર રહી હતી. 
અમેરિકાની સેનેટ દ્વારા રિપલ્બિકનનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે અને 300 અબજ ડોલરનો કોરોના વાઇરસ પ્લાન મંજૂર કર્યો છે. 
વિશ્લેષકોના મતે કોવિડની વેક્સિનના સંશોધન અને સુધરતી જતી આર્થિક સ્થિતિના આંકડાઓ સોનાને આવનારા સમયમાં હાલક ડોલક સ્થિતિમાં રાખશે. નીચાં અને નકારાત્મક વ્યાજદરો પણ સોનાને અસર કરશે. હવે કોઇ દેશ દ્વારા મોટાં ઉદ્દીપક પેકેજની જાહેરાત કરવામાં આવે તો સોનામાં સુધારાનો અવકાશ રહેશે. જોકે 2000 ડોલર ની સપાટી વટાવે તે માટે કોઇ સબળ કારણની આવશ્યકતા રહેશે તેમ અભ્યાસુઓએ કહ્યું હતુ. 
બ્રિટનનું અર્થતંત્ર જુલાઇ મહિનામાં સુધર્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં પણ સુધારો દેખાયો છે એ કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર પણ સુધરશે તેવી આશા બંધાઇ છે. 
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 100ના મામૂલી સુધારામાં રુ. 51600 હતો. ચાંદી રુ. 62000ની સપાટીએ જળવાઇ રહી હતી. મુંબઇ સોનું રુ. 35 ઘટીને રુ. 51441 અને ચાંદી રુ. 667 ઘટતા રુ. 65424 રહી હતી.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer