દહિસર મેટ્રોની ટ્રાયલ મકરસંક્રાંતિ બાદ; બે મહિનામાં રેક આવી પહોંચશે

મુંબઈ, તા. 11: દહિસરથી ડીએન નગર અંધેરી માટેની મેટ્રો-2એ, અને દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ વચ્ચેની મેટ્રો-7 માટેની ટ્રાયલ જાન્યુઆરી 2021માં શરૂ થવાની શક્યતા છે. આ મેટ્રો ટ્રેનમાં રેક નવેમ્બરથી આવવાનું શરૂ થશે, જેથી તેની ટ્રાયલ રન જાન્યુઆરીથી શરૂ કરી શકાય.
`મેટ્રો-2એ' અને `મેટ્રો-7' પ્રવાસીઓ માટે મે 2021માં ખુલ્લી મૂકવાની યોજના હોવાનું જાણવા મળે છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમને રેલવેની સ્ટાન્ડર્ડડાઈઝેશન બૉડી (આરડીએસઓ) અને કમિશ્નર અૉફ રેલવે સેફ્ટીની લીલી ઝંડી મે-2021 સુધીમાં મળી જવાની આશા છે.
મેટ્રો-7ની લંબાઈ 16.5 કિલોમીટરની છે અને તેના પર 16 સ્ટેશનો હશે. તે વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર એલિવેટેડ હશે. પરાંની ટ્રેનો પરનો બોજો આ મેટ્રોથી ઓછો થશે.
`મેટ્રો-2એ'ની લંબાઈ 18.6 કિલોમીટરની છે અને તેના પર 17 સ્ટેશનો હશે. તે લિન્ક રોડ પરથી એલિવેટેડ રૂપમાં પસાર થશે. આ મેટ્રોથી લિન્ક રોડ અને એસવી રોડની ગીચતા ઓછી થશે.
મેટ્રોની પ્રારંભ વખતે 10 રેક સેવામાં રહેશે અને 15થી 20 મિનિટના અંતરે એક ટ્રેન દોડશે. દર ટ્રેનમાં છ કોચ હશે અને એક કોચની ક્ષમતા 300 પેસેન્જરની હશે. સીસીટીવી કૅમેરાથી દરેક કોચ સજ્જ હશે.
લઘુત્તમ ભાડુ 10 રૂપિયા અને મહત્તમ ભાડુ 40 રૂપિયા રાખવાનો પ્રસ્તાવ છે. 3 કિલોમીટરની અંતર માટે 10 રૂપિયા એ પછી 12 કિલોમીટર સુધી 20 રૂપિયા, 18 કિલોમીટર સુધી 30 અને 24 કિલોમીટર સુધી 40 રૂપિયા ભાડું રહેશે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer