વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સંપૂર્ણ અધિકાર નથી : હાઇકોર્ટ

મુંબઈ, તા. 11  : બૉમ્બે હાઇકોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે બંધારણના આર્ટિકલ 19 હેઠળ અપાયેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ પૂર્ણ અધિકાર નથી. ટ્વીટર પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર મહિલા વિરૂદ્ધ મુંબઈ અને પાલઘર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે મહિલાને વચગાળાના જામીન આપવાનું નકાર્યું હતું. 
જસ્ટીસ એસ.એસ. શિંદે અને જસ્ટીસ એમ. એસ. કર્ણિકની બેન્ચે સંબંધિત મહિલા સુનયના હોલીની બે અઠવાડિયા ધરપકડ નહીં કરે એવી સરકારે આપેલી મૌખિક ખાતરીને સ્વીકારી હતી. જોકે રાજ્યએ વધુમાં જણાવ્યું હતું કે હોલી આઝાદ મેદાન અને તુલીંજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછમાં કેટલો સહકાર આપે છે એના પર આ રાહત અવલંબે છે. એ સાથે કોર્ટે હોલીને આ સમયગાળા દરમ્યાન જો પોલીસ આકરી કાર્યવાહી કરે કે એના હકનું ઉલ્લંઘન થતું હોય તો કોર્ટમાં ગમે ત્યારે આવવાની છૂટ આપી હતી.  
હોલીએ કોર્ટમાં અપીલ કરી હતી કે એની સામેના આક્ષેપોને રદ કરવામાં આવે. એ સાથે કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી એની ધરપકડ ન કરવાની દાદ ચાહતી અરજી કરી હતી. 
હોલી વિરૂદ્ધ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે જેમાં બીકેસી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બીજી ફરિયાદ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અને ત્રીજી નાલાસોપારાના તુલીંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. 
ફરિયાદ મુજબ, હોલી (38)એ ટ્વીટર પર મુખ્યપ્રધાન અને તેમના પુત્ર વિરૂદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. એની આ વરસે ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરાઈ હતી પણ પાછળથી જામીન પર છોડવામાં આવી હતી. 
હોલીને તપાસ માટે પોલીસ સ્ટેશનમાં આવવા માટે નોટિસ મોકલવામાં આવી હતી પણ એણે નોટિસનો પ્રતિસાદ આપ્યો નહોતો, એમ સરકારી વકીલે જણાવ્યું હતું. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer