ઉદ્ધવ સરકાર કોરોનાને બદલે કંગના સામે લડી રહી છે : ફડણવીસ

ઉદ્ધવ સરકાર કોરોનાને બદલે કંગના સામે લડી રહી છે : ફડણવીસ
મુંબઈ, તા. 11 : અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર ડિમોલિશનનો હથોડો ચલાવવાના મુદ્દે ભાજપી નેતા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ઉદ્ધવ સરકારને ટાર્ગેટ કરી હતી અને કહ્યું હતું કે તમારે દાઉદનું ઘર તોડવું નથી, પણ કંગનાનું ઘર તોડવુ છે. 
તેમણે કહ્યું હતું કે સરકર કોરોનાને બદલે કંગના સામે લડી રહી છે. રોજ રાજ્યમાં 23થી પચીસ હજાર કેસ નોંધાય છે. દેશમાં મૃત્યુ પામનાર કોરોનાગ્રસ્તોમાંથી 40 ટકા દરદી રાજ્યના છે. કંગના પાછળ સરકાર જે તાકાત વેડફી રહી એમાંથી અડધી પણ કોરોના સામેની લડાઈમાં લગાડવામાં આવે તો મહામારીને અંકુશમાં લઈ શકાય છે. સરકારે અગ્રતાક્રમ નક્કી કરવાની જરૂર છે. 
ફડણવીસે કહ્યું હતું કે ભાજપે ક્યારેય કંગનાનો મુદ્દો છેડ્યો નથી. કંગનાએ મુંબઈમાં પગ ન મૂકવો જોઈએ જેવા વિવાદાસ્પદ નિવેદનો મહારાષ્ટ્ર સરકાર તરફથી આવી રહ્યા છે. કંગના કોઈ રાષ્ટ્રીય રાજકારણી ન હોવા છતાં સરકાર તેને મહત્વ આપી રહી છે. ભાજપે તો આ મુદ્દાને ચગાવ્યો નથી. 
પવારે સરકારનો કર્યો બચાવ 
કંગનાની ઓફિસમાં ગેરકાયદે બાંધકામ તોડવાના પ્રકરણમાં મહારાષ્ટ્ર સરકારનો કોઈ હાથ નથી, એવી સ્પષ્ટતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે શુક્વારે કરી હતી. તેમણે કહ્યું હતું કે અભિનેત્રીની ઓફિસ પર હથોડો ચલાવવાનો નિર્ણય મુંબઈ પાલિકાનો હતો. શરદ પવારે કંગનાના મુદ્દે શિવસેનાની ભૂમિકા વિશે કંઈપણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer