વકીલોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટે ઇ-પાસ આપવાનું બૉમ્બે હાઇકોર્ટનું સૂચન

વકીલોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટે ઇ-પાસ આપવાનું બૉમ્બે હાઇકોર્ટનું સૂચન
મુંબઈ, તા 11  : વકીલો હાઇકોર્ટમાં સુનાવણીમાં હાજર રહી શકે એ માટે પ્રાયોગિક ધોરણે તેમને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા ઇ-પાસ જારી કરવાનું સૂચન બૉમ્બે હાઇકોર્ટે કર્યું હતું. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછયું હતું કે મહામારીને કારણે કેટલા દિવસો સુધી લોકલ ટ્રેનો પરના પ્રતિબંધ ચાલુ રહેશે. 
સ્પેશિયલ લોકલ ટ્રેનોમાં રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત મહાપાલિકા, આરોગ્ય અને આવશ્યક સેવાના કર્મચારીઓને જ આવ-જા કરવાની પરવાનગી અપાઈ છે. 
ચીફ જસ્ટીસ દિપંકર દત્તા અને જસ્ટીસ જી.એસ. કુલકર્ણીની બેન્ચ ચિરાગ ચનાની અને અન્ય વકીલો વતિ ઍડવોકેટ શ્યામ દેવાણીએ ફાઇલ કરેલી જાહેરહિતની સાથે અન્ય ઍડવોકેટ ઉદય વારુંજીકરે કરેલી અરજીની સુનાવણી ગુરૂવારે હાથ ધરી હતી. 
તેમણે માંગણી કરી હતી કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રહેતા વકીલોને સ્પેશિયલ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવે જેથી તેઓ સુનાવણી દરમ્યાન કોર્ટમાં હાજર રહી શકે કે તેમની અૉફિસમાં જઈ શકે. 
બેન્ચે પૂછ્યું હતું કે, ક્યાં સુધી બધું બંધ રહેશે? આપણે હવે કોરોના વાઇરસ સાથે રહેવાનુ છે. આવું ક્યાં સુધી ચાલશે? લૉકડાઉનને છ મહિના થઈ ગયા. 
કોર્ટે વધુમાં જણાવ્યું કે મર્યાદિત સંખ્યામાં ક્રિમિનલ અપીલની સુનાવણી શરૂ કરવામાં આવી છે પરંતુ જજીસની ફરિયાદ છે કે ટ્રાન્સપોર્ટના અભાવે ઘણા વકીલો હાજર રહી શકતા નથી. અને લોકલ ટ્રેન એમાંનું એક કારણ હોઈ શકે છે એમ ચીફ જસ્ટીસ દત્તાએ જણાવ્યું. 
બેન્ચે વધુમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રાખી શકાય નહીં. વકીલો કોર્ટની કાર્યવાહીમાં હાજર રહી શકે એ માટે રાજિંદા પાસ જારી કરવા અંગે વિચારવું જોઇએ જેથી તેઓ હાઇકોર્ટ પહોંચી શકે. જો હાઇકોર્ટના વકીલો માટેની ઇ-પાસની સિસ્ટમ કારગત રહે તો આજ પદ્ધતિ ટ્રાયલ કોર્ટ માટે પણ અમલમાં મુકવા અંગે પ્રશાસન વિચારી શકે છે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer