મહારાષ્ટ્ર સરકાર પણ કંગના સામે મેદાનમાં

મહારાષ્ટ્ર સરકાર પણ કંગના સામે મેદાનમાં
ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ કનેકશનની તપાસ કરશે 
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અભિનેત્રી કંગના રનૌતના તથાકથિત ડ્રગ કનેકશનની તપાસ કરવાનો મુંબઈ પોલીસને લેખિત આદેશ આપ્યો હતો. મુંબઈ પોલીસને સરકારનો આ આદેશ મળી ચૂક્યો છે અને આ પ્રકરણની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.  મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે સરખાવવા બદલ ઉદ્ધવ સરકાર નારાજ છે. સરકારે હવે કંગનાને ડ્રગ્સ કેસમાં સપડાવવાનો ફેંસલો કર્યો છે. 
2016માં અભિનેતા શેખર સુમનના દીકરા અધ્યયન સુમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંગનાએ એકવાર મને કોકેઈન લેવાનો આગ્રહ કરેલો, પણ મેં ના પાડતા અમારી વચ્ચે ઝઘડો થયો હતો. અધ્યયન સુમન એ સમયે કંગના સાથે રિલેશનમાં હતો. 
ચાર વર્ષ જૂના ઈન્ટરવ્યુ વિશે બોલતા અધ્યયન સુમન હવે કહે છે કે આ ઈન્ટરવ્યુને બહુ મહત્વ આપવાની જરૂર નથી. સકારાત્મક વિચારો સાથે હું આગળ વધી રહ્યો છું. બોલીવુડની હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન મોટા પ્રમાણમાં થાય છે, પણ હું આવી પાર્ટીઓથી હંમેશા દૂર રહ્યો છું. મને આ વિવાદ મહેરબાની કરીને ન ઢસડો. મારા આ વસમા ભૂતકાળમાં પાછો ન લઈ જાઓ. ક્રાઈમ બ્રાન્ચ કદાચ અધ્યયન સુમન અને કંગનાને પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે. 
કંગનાનો ચહેરો બગાડી નાખવાની ધમકી આપનાર શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની લેખિત ફરિયાદને પગલે સરકારે આ તપાસનો આદેશ આપ્યો છે. કંગનાએ બે દિવસ પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે હું ડ્રગના મામલે મુંબઈ પોલીસને સહકાર આપીશ. મારા બ્લડ સૅમ્પલની પણ જાંચ થઈ શકે છે. મારા ફોનના રેકોર્ડ્સ પણ તપાસી શકાય છે. મારા સંબંધ જો કોઈ ડ્રગ ડીલર સાથે પુરવાર થશે તો હું મારી ભૂલ સ્વીકારી કાયમ માટે મુંબઈ છોડી દઈશ. 
કંગનાએ સોનિયાની મદદ માગી 
મહારાષ્ટ્ર સરકાર સાથેની લડાઈમાં કંગના રનૌતે હવે કોંગ્રેસના હંગામી પ્રમુખ સોનિયા ગાંધીની મદદ માગી છે.  કંગનાએ સોનિયાને સંબોધીને કરેલી એક ટ્વીટમાં કહ્યું હતું કે તમે પણ એક મહિલા છે અને મહારાષ્ટ્ર સરકાર મારી સાથે જે વર્તન કરી રહી છે એનાથી તમે શું દુ:ખી નથી? 
ડો. બાબાસાહેબ આંબેડકર આપેલા બંધારણના સિદ્ધાંતો પાળવાની તમે સરકારને વિનંતી ન કરી શકો? તમે પશ્ચિમમા મોટા થયો છો અને ભારતમાં રહ્યા છો. તમને મહિલાઓના સંઘર્ષની તો જાણ હશે જ. તમારી સરકાર જ જ્યારે એક મહિલાને પરેશાન કરી રહી છે અને કાયદા-વ્યવસ્થાની ઐસીતૈસી કરી છે ત્યારે તમારુ મૌન અને ઉદાસીનતાની ઈતિહાસ નોંધ લેશે. મને આશા છે કે તમે દરમિયાનગીરી કરશો.  શુક્રવારે અન્ય એક ટ્વીટમાં બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી કંગનાએ શિવસેનાને પણ આડે હાથે લીધી હતી. આ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે મહાન બાળાસાહેબ ઠાકરે મારા પ્રિય નેતાઓમાંના એક હતા. એમનો મુખ્ય ડર એ હતો કે એક દિવસ શિવસેના ગઠબંધન કરશે અને કોંગ્રેસ બની જશે. તેમના પક્ષની હાલત જોતા તમને શું લાગે છે એ મારે જાણવું છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer