નાઓમી ઓસાકા યુએસ અૉપનમાં બીજીવાર ચૅમ્પિયન

નાઓમી ઓસાકા યુએસ અૉપનમાં બીજીવાર ચૅમ્પિયન
ફાઇનલમાં વિક્ટોરિયા અજારેંકા સામે એક સેટ પાછળ રહ્યા બાદ શાનદાર જીત
ન્યૂયોર્ક, તા.13: જાપાનની નાઓમી ઓસાકાએ એક સેટ પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરીને વિક્ટોરિયા અજારેંકાની હરાવીને યુએસ ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ બીજીવાર જીતી લીધો છે. નાઓમી ઓસાકા ફાઇનલમાં બેલારૂસની અજારેંકાને 1-6, 6-3 અને 6-3થી હાર આપીને ચેમ્પિયન બની હતી. ઓસાકાનો આ યુએસ ઓપનનો બીજો અને ગ્રાંડસ્લેમનો ત્રીજો ખિતાબ છે. ખાસ વાત એ રહી હતી કે 2પ વર્ષમાં આ પહેલો મોકો હતો કે ફાઇનલમાં પહેલો સેટ હાર્યાં બાદ કોઇ મહિલા ખેલાડી અમેરિકી ઓપનમાં ચેમ્પિયન બની હોય. આ પહેલા સ્પેનની અરાંતા સાંચેજ વિકારિયોએ જર્મનની સ્ટેફી ગ્રાફ સામે 1994માં આવું પરાક્રમ કર્યું હતું. 
ઓસાકાની આ સતત 11મી જીત છે. તે આ પહેલા 2018માં યુએસ ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી. અજારેંકા 2012 અને 2013માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની ચૂકી છે. આ સાથે જ ઓસાકા ત્રણ ગ્રાંડસ્લેમ ખિતાબ જીતનારી પહેલી એશિયન ખેલાડી બની છે. તેણે ચીનની લી નાને પાછળ રાખી છે. લી નાના નામે બે ગ્રાંડસ્લેમ ટાઇટલ છે. 
રંગભેદ વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો
ઓસાકાએ યુએસ ઓપન દરમિયાન રંગભેદ ચળવળને સમર્થન પણ કર્યું હતું. ફાઇનલ મુકાબલો તેણીએ તામિર રાઇસ લખેલા માસ્ક પહેરીને રમ્યો હતો. 12 વર્ષના અશ્વેત છોકરા તામિરને 2014માં પોલીસે મારી નાખ્યો હતો.  ટૂર્નામેન્ટમાં ઓસાકાનો આ સાતમો માસ્ક હતો. જે તેણે હિંસાનો શિકાર બનેલા અશ્વેતોના સન્માનમાં પહેર્યોં હતો. 
ડબલ્સમાં રશિયન જોડી વિજેતા
રશિયાની વેરા જ્વોનારેવા અને લોરા સીજેમંડની જોડી યુએસ ઓપનના મહિલા ડબલ્સમાં ચેમ્પિયન બની છે. રશિયન જોડીએ ફાઇનલમાં શૂ ફિયાન અને નિકોલ મેલિચારને 6-4 અને 6-4થી હાર આપી હતી. 36 વર્ષીય જ્વોનારેવા આ પહેલા 2006માં નતાલી ડેચી સાથે યુએસ ઓપનમાં ચેમ્પિયન બની હતી. તે એક પુત્રીની માતા છે. 2012માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ ડબલ્સમાં વિજેતા રહી ચૂકી છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer