ભાઇંદરમાં ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં મહિલા પર બળાત્કાર કરનાર અટેન્ડન્ટ ઝડપાયો

અમારા પ્રતિનિધિ તરફથી
થાણે, તા 13 : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભાઇંદરમાં ગોલ્ડનનેસ્ટ કોવિડ-19 ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મહિલા પર બળાત્કાર કરવાના કથિત આરોપસર 27 વરસના એટેન્ડન્ટની ધરપકડ કરી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. 
આ ઘટના જૂન મહિનામાં બની હતી પરંતુ 20 વરસની મહિલાએ શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એમ નવઘર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંપત પાટિલે જણાવ્યું હતું. 
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એ જ્યારે એના 11 વરસના સંબંધી, જેને મીરા રોડમાં આવેલા ક્વૉરન્ટાઇન સેન્ટરમાં રખાયો હતો એને મળવા ગઈ હતી ત્યારે બળાત્કાર કર્યો હોવાનું  જણાવ્યું હતું. 
પોલીસના જણાવ્યા મુજબ, મહિલા એની દસ મહિનાની દીકરી સાથે એના કોરોના પોઝિટિવ સંબંધીને ફાળવાયેલી રૂમમાં રહેતી હતી. 
આરોપી રાત્રે ગરમ પાણી આપવાના બહાને રૂમમાં આવતો હતો. એટેન્ડન્ટે કથિત પણે મહિલા સાથે બળજબરી કરી પણ એણે વિરોધ કરતા બાળકીને મારી નાખવાની ધમકી આપી હતી એમ પાટીલે જણાવ્યું. એણે કથિતપણે મહિલા પર જૂનના પહેલા અઠવાડિયામાં ત્રણવાર બળાત્કાર કર્યો હતો. 
આરોપી એના પરિવારને હાનિ પહોંચાડશે એવા ડરને કારણે મહિલાએ એ સમયે પોલીસનો સંપર્ક કર્યો નહોતો. મહિલાએ શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એના વિરૂદ્ધ ભારતીય દંડસંહિતાની સંબધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer