રિયલ્ટી ફર્મ મુલુંડના રહેવાસીઓને રૂા 7.5 લાખનું વળતર ચૂકવે : ગ્રાહક પંચ

મુંબઈ, તા 13 : ગ્રાઉન્ડ લેવલને બદલે પોડિયમ લેવલ પર જણાવ્યા કરતા નાનું રિક્રિએશન ગ્રાઉન્ડ તૈયાર કરવા બદલ કન્સ્ટ્રક્શન કંપનીને મુલુંડ રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્ષના રહેવાસીઓને 7.5 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ નેશનલ કઝ્યુમર કમિશને આપ્યો હતો. 2016માં રાજ્યના કમિશને મેરેથોન રિયલ્ટી લિમિટેડને માનસિક ત્રાસ આપવા બદલ અસોસિયેશનને પાંચ લાખ રૂપિયાના વળતર ચુકવવાના આપેલા આદેશને રદ કર્યો હતો. આ અંગે કમિશને જણાવ્યુ હતું કે ફરિયાદી મોન્ટ વિસ્ટા રેસિડન્સ વેલફેર અસોસિયેશન (કૉમ્પ્લેક્ષના 43 સભ્યો) કોર્પોરેટ એન્ટિટી છે, નેચરલ પર્સન નથી, એટલે તેમને વળતર મળી શકે નહીં. 
અસોસિયેશને સૌપ્રથમ રાજ્યના કમિશનને 2015માં અપીલ કરી હતી. એમાં જણાવાયું હતું કે કૉમ્પ્લેક્ષ પહેલાં પાંચ બિલ્ડિગનું હતું જેમાં અમુક જણે 2009માં ફ્લૅટ ખરીદ્યા હતા. અસોસિયેશને જણાવ્યુ કે કંપનીએ બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યા આપવા તૈયાર થઈ હતી. જોકે કબજો આપવામાં વિલંબ થયો અને ઓક્યુપન્સી સર્ટિફિકેટ માર્ચ 2014માં મળ્યું. અસોસિયેશને ફરિયાદ કરી હતી કે કંપનીએ બેઝમેન્ટમાં પબ્લિક પાર્કિંગ લોટ બનાવી મુંબઈ મહાપાલિકાને પબ્લિક પાર્કિંગ સ્કીમ હેઠળ સોંપ્યું. તેમનું કહેવુ છે કે પ્લાન 2014માં મંજૂર થયો હતો. 2016માં સ્ટેટ કમિશને કંપનીને આદેશ આપ્યો હતો કે બેઝમેન્ટમાં પાર્કિંગ સ્પેસ આપવામાં આવે અને બ્રોશરમાં દર્શાવ્યા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર રીક્રિએશનલ ગ્રાઉન્ડ બનાવે. એ સાથે હાઉસિંગ સોસાયટીને માનસિક હેરાનગતિ માટે પાંચ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. અસોસિયેશન અને કંપની, બંનેએ નેશનલ કમિશનમાં અપીલ કરી હતી.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer