મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ : રામદાસ આઠવલે

મુંબઈ, તા. 13 : કાંદિવલીમાં શિસૈનિકોએ નેવીના જે પૂર્વ ઓફિસર પર હુમલો કર્યો હતો તેમની મુલાકાત રિપબ્લિકન પાર્ટીના નેતા રામદાસ આઠવલેએ લીધી હતી અને મુલાકાત બાદ તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી. 
તેમણે કહ્યું હતું કે નેવીના પૂર્વ ઓફિસર પરના હુમલાનું શિવસેનાએ સમર્થન કર્યું છે અને અભિનેત્રી કંગનાને ડ્રગ્સ કેસમાં સરકાર ફસાવવા માગે છે. મહારાષ્ટ્ર સરકાર વેરવૃત્તિથી કામ કરી રહી હોવાથી રાજ્યનું વાતાવરણ બગડ્યું છે અને તેથી રાજ્ય સરકારને બરખાસ્ત કરી કેન્દ્રએ રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. 
કેન્દ્રમાં રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય પ્રધાન રામદાસ આઠવલેએ નેવીના પૂર્વ ઓફિસર મદન શર્માને તેમના ઘેર મળ્યા હતા અને તેમના ખબરઅંતર પુછ્યા હતા. શિવસૈનિકોના હુમલામાં મદન શર્માને આંખ અને ચહેરા પર ઈજા થઈ હતી. 
દરમિયાન મદન શર્મા પરના હુમલાના વિરોધમાં રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો સોમવારે (આજે) કાંદિવલીમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસની ઓફિસની સામે આંદોલન કરશે. 
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer