મરાઠા આરક્ષણના સમર્થકોની મુંબઈનો દૂધ પુરવઠો ખોરવી દેવાની ધમકી

મરાઠા આરક્ષણના સમર્થકોની મુંબઈનો દૂધ પુરવઠો ખોરવી દેવાની ધમકી
સમન્વય દ્વારા મરાઠા આરક્ષણ પરનો સ્થગિત આદેશ ઉઠાવવા પ્રયત્ન : ઠાકરે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : સર્વોચ્ય અદાલતે મરાઠાઓના આરક્ષણના અમલ સામે આપેલો વચગાળાનો સ્થગિત આદેશ ઉઠાવવા માટે વિરોધપક્ષો, વિવિધ સંસ્થા અને ધારાશાત્રીઓ સાથે સમન્વય સાધીને પ્રયત્ન કરવામાં આવશે એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ આજે તેમના સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા' ખાતે મરાઠા આરક્ષણ કાયદો, વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને ભરતી પ્રક્રિયા વગેરે બાબતોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મરાઠા આરક્ષણ અંગે પ્રધાનોની પેટાસમિતિના અધ્યક્ષ અશોક ચવ્હાણ હાજર રહ્યા હતા.
દરમિયાન મરાઠાઓને આરક્ષણ સામે સર્વોચ્ય અદાલતે વચગાળાનો મનાઈહુકમ આપ્યો તે બદલ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારનો વિરોધ કરવા સોલાપુરમાં શિવાજી ચોક વિસ્તાર ધરણાં કર્યાં હતાં. જ્યારે કોલ્હાપુરમાં હાઇવે ઉપર આંદોલનકારીઓએ વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ મુંબઈ માટેનો દૂધ પુરવઠો ખોરવી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. સોલાપુરમાં આંદોલનકારીઓએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની નનામી કાઢી હતી. ફૌજદાર ચાવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મરાઠી ક્રાંતિમોરચાના કાર્યકરોની અટક કરવામાં આવી હતી બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer