ટેક્નોલૉજી વિરૂદ્ધ પરંપરા : અૉનલાઇન પિંડદાન વિધિ અંગે હરિદ્વારના પંડાઓમાં પડી તિરાડ

ટેક્નોલૉજી વિરૂદ્ધ પરંપરા : અૉનલાઇન પિંડદાન વિધિ અંગે હરિદ્વારના પંડાઓમાં પડી તિરાડ
હરિદ્વાર, તા 13 : શ્રાદ્ધ પક્ષ દરમ્યાન ભારતભરમાં લોકો પિતૃઓના આત્માની શાંતિ માટે પીંડ દાન કરતા હોય છે. જોકે આ વરસે શ્રાદ્ધ પક્ષમાં એક નવો વિવાદ શરૂ થયો છે. હરિદ્વારમાં ટેક્નોલૉજી વિરૂદ્ધ ટ્રેડિશનની ચર્ચા ચાલી રહી છે. હકીકતમાં અમુક પંડાઓએ અૉનલાઇન પીંડ દાન વિધિ શરૂ કરતા રૂઢિચુસ્ત પંડાઓએ એનો વિરોધ કર્યો છે. હરિદ્વારના પંડાઓની સર્વોચ્ચ સંસ્થા ગંગા સભાએ દલીલ કરી હતી કે શાસ્ત્રોમાં અૉનલાઇન પિતૃ તર્પણને માન્યતા નથી. આ પ્રકારની વિધિ પિતૃઓના આત્મા સ્વીકારતી નથી. જ્યારે અમુક પંડાઓ સમયને અનુસરી અૉનલાઇન વિધિ ચાલુ રાખવા માંગે છે. ગંગા સભાના જનરલ સેક્રેટરી તન્મય વશિષ્ઠએ જણાવ્યું કે, શાસ્ત્રોમાં પીંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ માટે કરાતી વિધિઓ સદેહે કરવાનું જણાવ્યું છે તો એ અૉનલાઇન કેવી રીતે કરી શકાય? 
તો ગંગા સભાના અધ્યક્ષ પ્રદીપ ઝા કહે છે કે, અૉનલાઇન પીંડ દાન એ માત્ર છેતરપીંડી છે એમ કહેવાની સાથે તેમણે ઉમેર્યું હતું કે આ તો પૈસા કમાવાનો એક કીમિયો છે. 
આ પ્રકારની પરંપરાગત વિધિઓ અૉનલાઇન કરવાનો મતલબ છે આ પવિત્ર વ્યવસાયને ઉતારી પાડવો, પૈસા કમાવા માટે ધાર્મિક વિધિની પવિત્રતા નષ્ટ કરવા જેવી વાત છે. જો પંડાએ અન્ય વ્યક્તિ માટે વિધિ કરવાની હોય તો એ માટે વર્ણ સંકલ્પ કરવો જરૂરી છે, અને એ માટે પંડાએ કે યજમાને એકબીજાને મળવું અનિવાર્ય છે. અન્યથા વિધિનો કોઈ અર્થ સરતો નથી. જે લોકો અૉનલાઇન પીંડદાન વિધિ કરાવી રહ્યા છે એ તમામને એમ ન કરવાનું જણાવવાની સાથે પરંપરાને ભ્રષ્ટ ન કરવાની સલાહ આપી હતી. 
હરિદ્વારમાં ગાયત્રી તિર્થ શાંતિકુંજ અૉનલાઇન પીંડ દાન વિધિ કરાવી રહ્યું છે. તેમની દલીલ છે કે ટેક્નોલૉજીના ઉપયોગ થકી પીંડ દાન કરાવવું તેમને સ્વીકાર્ય છે. મહામારીને કારણે ઘણા લોકો હરિદ્વાર આવી શકતા નહીં હોવાથી આ માધ્યમ દ્વારા પિતૃઓને તર્પણ કરવામાં કોઈ નુકસાન નથી, એમ નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ હતું. 
અૉનલાઇ પીંડ દાન વિધિ કરાવતા વિપુલ શર્મા નામના પંડાએ જણાવ્યુ કે આ મહિનામાં તેમણે જમ્મુ અને કાશ્મીરના અડધો ડઝન જેટલા ભાવિકો માટે અૉનલાઇન પીંડ દાન વિધિ કરાવી હતી. મારા યજમાનોને આ સમયગાળા દરમ્યાન જ વિધિ કરાવવી હતી અને તેઓ પોતે હાજર રહી શકે એમ નહોતા. અૉનલાઇન વિધિ કરાવવામાં તેમને કોઈ વાંધો ન હોવાથી અમે આ માધ્યમ દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિએ પીંડ દાન વિધિ કરાવી હતી.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer