અૉક્સિજન સિલિન્ડર ભરેલો ટેમ્પો ચોરાયો

અૉક્સિજન સિલિન્ડર ભરેલો ટેમ્પો ચોરાયો
પુણે, તા 13 (પીટીઆઈ) : કોવિડ-19 મહામારી દરમ્યાન ઓક્સિજનની ભારે માંગ છે ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી કરવા માટેના સાત સિલિન્ડર લઈ જતો ટેમ્પો પુણેના ચાકણ વિસ્તારમાંથી ચોરાયો હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. 
ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધવતી વખતે જણાવ્યું હતું કે એણે ગુરૂવારે રાત્રે એના ઘરની બહાર ટેમ્પો પાર્ક કર્યો હતો જ્યાંથી એ થોડા કલાકમાં ચોરાયો હતો, એમ મ્હાલુંગે પોસ્ટના ઇન્સ્પેક્ટર બાલાજી સોનટકેએ જણાવ્યું હતું.  
અમે ફરિયાદ નોંધી ટેમ્પો શોધવાના પ્રયાસો કરી રહ્યા છીએ જેથી ચોરી કરનાર આરોપી પણ ઝડપી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.  કોરોના વાઇરસ મહામારીને કારણે ઓક્સિજનની ભારે માંગ છે. આથી જિલ્લા પ્રશાસને ખાસ ટુકડીની નિયુક્તિ કરી છે જે ઓક્સિજનના ઉત્પાદકોને ત્યાંથી હોસ્પિટલોમાં પુરવઠો બરોબર પહોંચે છે કે નહીં એનું ધ્યાન રાખે છે. 
કોવિડ-19ના દરદીઓની સારવાર માટે ઓક્સિજનની ખાસ જરૂર પડતી હોવાથી રાજ્ય સરકારે એનો સમાવેશ એસેન્શિયલ પબ્લિક હેલ્થ કૉમોડિટીની યાદીમાં કર્યો છે. 
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer