રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સે થોડા દિવસમાં ધર્મસ્થાનો ખોલવાની ભલામણ કરી

રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સે થોડા દિવસમાં ધર્મસ્થાનો ખોલવાની ભલામણ કરી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સે બધા જ ધર્મસ્થાનો ખોલી નાખવાની ભલામણ કરી છે. આ ધર્મસ્થાનો માર્ચમાં લૉકડાઉન લાગુ કરાયો ત્યારથી બંધ છે. આમ છેલ્લા લગભગ છ મહિનાથી તે બંધ છે.
ટાસ્ક ફોર્સના એક સભ્યએ શનિવારે જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટસીંગનું બરાબર પાલન કરવામાં આવે તો મંદિરો સહિત તમામ ધર્મસ્થાનો નહીં ખોલવાનું કોઈ કારણ નથી.
વિવિધ રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનો ઘણા સમયથી ધર્મસ્થળો ખોલવાની સતત માગણી કરી રહ્યા છે. અૉગસ્ટમાં કોર્ટે પણ અમુક શરતો અને નિયમોને આધીન મર્યાદિત સમય માટે જૈનો અને પારસીઓને તેમના ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી આપી હતી.
જોકે હાલ રાજ્ય અને મુંબઈમાં રોજ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે જ ટાસ્ક ફોર્સની આ ભલામણ આવી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોવિડ-19નાં 10 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 29000થી વધુ મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે.
આમ છતાં ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ કહ્યું હતું કે કેસમાં ફરી ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મસ્થાનો, જીમખાના અને રેસ્ટોરાં ખોલવાનો નિર્ણય થોડા દિવસ મુલતવી રખાશે.
ટાસ્ક ફોર્સ તિરુપતિ મંદિરની જેમ ઈ-ક્યૂ સિસ્ટમથી દર્શન કરવાના વ્યવસ્થાનો આગ્રહ રાખે છે. આ અંગે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ રુકમીની મંદિરે તૈયારી કરી છે એવી જ રીતે સિધ્ધીવિનાયક મંદિર પણ આ પદ્ધતિનું આયોજન કરી રહ્યું છે.
જોકે પ્રસાદ આપવા, ઘંટ વગાડવા કે દાનપેટીઓને પરવાનગી આપવામાં નહીં આવે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer