મુંબઈમાં માસ્ક નહીં પહેરનારને થશે 200 રૂપિયાનો દંડ

મુંબઈમાં માસ્ક નહીં પહેરનારને થશે 200 રૂપિયાનો દંડ
મુંબઈ, તા. 13 : મુંબઈ મહાપાલિકાએ ઘરની બહાર માસ્ક પહેર્યા વિના ફરતા લોકો પાસેથી રવિવારથી આક્રમક રીતે 200 રૂપિયાનો દંડ વસૂલવાની શરૂઆત કરી હતી. દંડ વસૂલવા દરેક વૉર્ડમાં 10થી 15 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જોકે દંડ જે 1000 રૂપિયા હતો તેમાં ધરખમ ઘટાડો કરીને હવે 200 રૂપિયા કરવામાં આવ્યો છે.
અતિરિકત મ્યુનીસીપલ કમિશ્નર સુરેશ કાકાનીએ કહ્યું હતું કે અમે આકરો દંડ વસૂલવાની તરફેણમાંથી નથી આમ છતાં ઘર બહાર જતા લોકો માસ્ક પહેરે તે અંગે તેમનામાં જાગૃતિ ફેલાવવા માગીએ છીએ.
ગણેશોત્સવ પછી કોવિડના કેસમાં ઓચિંતો વધારો થતાં પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ ર્ક્યું છે. ઘરે ઘરે સર્વે અને ટૅસ્ટ વધારવાનો પણ પાલિકાએ નિર્ણય લીધો છે. ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોનની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ઓકસીજનનો પુરવઠો જળવાઈ રહે એ માટે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં સતત તપાસ કરવામાં આવશે, એમ કાકાનીએ જણાવ્યું હતું.
દરમિયાન પાલિકા 15 સપ્ટેમ્બરથી સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને `મારો પરિવાર, મારી જવાબદારી' ઝુંબેશ શરૂ કરશે. જેમાં લોકોને ઘરે ક્યા ઉપાય કરવા, ઘર બહાર નીકળતાં કે ઓફિસોમાં ક્યા ઉપાય કરવા તેની સમજણ આપવામાં આવશે જેથી કોવિડનો ચેપ ફેલાતો અટકાવી શકાય.
પરિવારજનોએ બાળકો અને વરિષ્ઠ સભ્યોનું વિશેષ ધ્યાન રાખવું, ભોજન લેતી વેળા એક બીજાની સામ સામે બેસવા કરતાં આજુ બાજુ બેસવું અને સમૂહમાં ભેગા થવાનું ટાળવું વગેરે બાબતો અંગે નાગરિકોને સજાગ કરવામાં આવશે. 

Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer