હવે અમિતાભ બચ્ચન બનશે એલેક્સાનો અવાજ

હવે અમિતાભ બચ્ચન બનશે એલેક્સાનો અવાજ
એક તરફ બોલીવૂડના વરિષ્ઠ વયના કલાકારો કામ મેળવવા માટે ફાંફા મારે છે જયારે બીજી તરફ અમિતાભ બચ્ચનને વરિષ્ઠ વયે નીતનવા પ્રોજેકટ મળી રહ્યા છે. બિગ બીએ એમેઝોન એલેક્સા સાથે ભાગીદારી કરી છે અને તેમના ભારતીય ચાહકોને એલેક્સામાં અમિતાભનો અવાજ સાંભળવા મળશે. એમેઝોન એલેક્સની ટીમ બિગ બી સાથે બેસીને તેમના અવાજને જુદાજુદા આરોહઅવરોહમાં રેકોર્ડ કરશે અને એલેક્સ વાપરનારાઓને એક અનોખો અનુભવ થશે. આમાં અમિતાભના અવાજમાં જોક્સ, આબોહવા, શાયરી, સુવિચાર, સલાહ અને બીજી કેટલીક બાબતોનો સમાવેશ થશે. આવતા વર્ષ સુધીમાં એલેક્સામાં અમિતાભનો સ્વર સંભળતો થઇ જશે. 
એમેઝોન એલેક્સા ઇન્ડિયાના કન્ટ્રી લીડર પુનીશ કુમારે જણાવ્યું હતું કે, દરેક ભારતીય બચ્ચનના અવાજને ઊંઘમાં પણ ઓળખી શકે છે અને તેનું આગવું આકર્ષણ ધરાવે છે. આથી અને અમારી લેટેસ્ટ ટેકનૉલૉજી સાથે તેમને જોડવાનો નિર્ણય લીધો છે. 
અમેરિકાની એલેક્સમાં સેમ્યુલ એલ. જેકસન જેવી સેલિબ્રિટિઝનો અવાજ છે. જયારે ભારતમાં આ પ્રથમવાર કોઇ સેલિબ્રિટીનો આ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. 
અમિતાભે જણાવ્યું હતું કે, ટેકનૉલૉજીએ મને ફિલ્મો, ટીવી, પૉડકાસ્ટ જેવા નવા સ્વરૂપને અપનાવવાની તક આપી છે, એલેક્સાનો અવાજ બનવા બદ્લ ઉત્સાહિત છું. આ દ્વારા હું મારા પ્રેક્ષકો સાથે વધુ સારી રીતે જોડાઇ શકીશ. 
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer