ઇંગ્લૅન્ડનો વિજય : શ્રેણી 1-1થી બરાબર : બુધવારે નિર્ણાયક મુકાબલો

ઇંગ્લૅન્ડનો વિજય : શ્રેણી 1-1થી બરાબર : બુધવારે નિર્ણાયક મુકાબલો
લૉ સ્કોરિંગ બીજી વન ડેમાં અૉસ્ટ્રેલિયા 232 રનના લક્ષ્યાંક સામે 207માં ડૂલ
માંચેસ્ટર, તા.14: લો સ્કોરિંગ બીજા વન ડેમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડનો 24 રને રોમાંચક વિજય થયો હતો. આથી ત્રણ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. ત્રીજો અને ફાઇનલ મુકાબલો બુધવારે રમાશે. ગઇકાલે રમાયેલા બીજા વન ડેમાં ઓલ્ડ ટ્રેફર્ડનાં મેદાન પર 232 રનના સામાન્ય વિજય લક્ષ્યાંક સામે મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ 48.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 
એક સમયે ઓસ્ટ્રેલિયાએ વોર્નર અને સ્ટોનિસની વિકેટ 37 રનમાં ગુમાવી દીધી હતી. આ પછી સુકાની એરોન ફિંચ (73) અને માર્નસ લાબુશેન (48) વચ્ચે ત્રીજી વિકેટમાં 107 રનની ભાગીદારી થઈ હતી. આથી ઓસિ.નો વિજય હાથવેંતમાં લાગી રહ્યો હતો પણ ફિંચના આઉટ થયા બાદ કાંગારૂ ટીમનો નાટકીય ધબડકો શરૂ થયો હતો અને પૂરી ટીમ 49મી ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમના સાત ખેલાડી બે આંકડે પણ પહોંચી શકયા ન હતા. ઇંગ્લેન્ડ તરફથી આર્ચર-વોકસ અને કરને 3-3 વિકેટ લીધી હતી.
આ પહેલા ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરી હતી અને પ0 ઓવરમાં 9 વિકેટે 231 રન કર્યા હતા. જેમાં સુકાની ઇયોન મોર્ગનના 42, જો રૂટના 39 રન મુખ્ય હતા જ્યારે પૂંછડિયા ક્રિસ વોકસે 26, ટોમ કરને 37 અને આદિલ રશિદે અણનમ 3પ રન કરીને ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. ટોમ કરન અને આદિલ રશીદ વચ્ચે નવમી વિકેટમાં 76 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને ઝમ્પાએ 2-2 વિકેટ લીધી હતી. મેચ બાદ કાંગારુ બોલર પેટ કમિન્સે સ્વીકાર્યું કે આ હાર પચાવવી બહુ મુશ્કેલ છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer