યુએસ અૉપનમાં અૉસ્ટ્રિયાનો થિમ ચૅમ્પિયન

યુએસ અૉપનમાં અૉસ્ટ્રિયાનો થિમ ચૅમ્પિયન
71 વર્ષમાં પહેલીવાર કોઇ ખેલાડી પહેલા બે સેટ હાર્યાં બાદ યુએસ અૉપનમાં વિજેતા : ફાઇનલમાં જર્મનની  ઝેવરેસ સામે પાંચ સેટના મુકાબલા બાદ જીત
ન્યૂયોર્ક, તા.14: ઓસ્ટ્રિયાનો ડોમનિક થિમ શાનદાર વાપસી કરીને યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. પાંચ સેટના રસાકસીભર્યાં ફાઇનલમાં બીજા ક્રમના થિમે પાંચમા ક્રમના જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવ સામે 2-6, 4-6, 6-4, 6-3 અને 7-6થી યાદગાર જીત મેળવી હતી. આ મુકાબલો 4 કલાક અને 2 મિનિટ ચાલ્યો હતો. યુએસ ઓપનમાં 71 વર્ષ બાદ પહેલીવાર એવું થયું છે કે ફાઇનલમાં કોઇ ખેલાડી પહેલા બે સેટ ગુમાવ્યા બાદ ચેમ્પિયન થયો હોય. છેલ્લે 1949માં અમેરિકી ખેલાડી ગોંજાલેજે આવું પરાક્રમ કર્યું હતું. આ ઉપરાંત પહેલીવાર એવું થયું છે કે કોઇ ખેલાડી ટાઇબ્રેકરથી ચેમ્પિયન બન્યો હોય. 27 વર્ષીય થિમ પહેલીવાર ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન થયો છે. આ પહેલા તે ત્રણ વખત ગ્રાંડસ્લેમના ફાઇનલમાં હારી ચૂકયો છે. આ વર્ષની શરૂઆતમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં હાર્યોં હતો. જયારે ફ્રેંચ ઓપનમાં તેને 2018 અને 2019ના ફાઇનલમાં હાર સહન કરવી પડી હતી.
યુએસ ઓપનમાં 2014 બાદ નવો ખેલાડી ચેમ્પિયન બન્યો છે. છેલ્લે ક્રોએશિયાનો મારિન સિલિચ વિજેતા થયો હતો. આ ઉપરાંત 2016માં વાવરિંકાના ચેમ્પિયન થયા બાદ પહેલીવાર બિગ થ્રી (ફેડરર, નડાલ અને જોકોવિચ) સિવાય કોઇ ખેલાડી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટમાં વિજેતા થયો હોય.
બીજી તરફ 23 વર્ષીય ઝેવરેવ પાછલા 10 વર્ષમાં ગ્રાંડસ્લેમ ફાઇનલ રમનારો સૌથી યુવા ખેલાડી હતો. પહેલા બે સેટમાં તેણે થિમને આસાનીથી હાર આપી હતી, પણ પછી થિમે વાપસી કરીને ઝેવરેવને હરાવ્યો હતો. થિમ તેના દેશ ઓસ્ટ્રિયાનો પહેલો એવો ખેલાડી બન્યો છે કે જેણે યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હોય.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer