સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કોને રૂ.20,000 કરોડનું ભંડોળ ફાળવશે

સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કોને રૂ.20,000 કરોડનું ભંડોળ ફાળવશે
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદની મંજૂરી માટે પ્રસ્તાવ મુક્યો 
નવી દિલ્હી, તા. 14 : જાહેરક્ષેત્રની બેન્કોને રૂ.20,000 કરોડનું ભંડોળ ફાળવવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદની મંજૂરી માગતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 
સંસદમાં સોમવારે સરકારી ખર્ચને મંજૂર કરવા માટે પૂરક માગણી રજૂ કરવામાં આવી હતી. તેમાં જાહેર ક્ષેત્રની બેન્કોને સરકારી સિક્યુરિટીઝ ઇસ્યુ કરીને મૂડી ભંડોળ ફાળવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. 
પાછલા અમુક વર્ષમાં સરકારે બેન્કોને 3.5 લાખ કરોડની મૂડી ફાળવી છે. સપ્ટેમ્બર 2019માં સરકારે બેન્કોને રૂ.70,000 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. મોટાભાગની મૂડીની ફાળવણી બોન્ડ દ્વારા થાય છે જેમાં સરકારની તિજોરી ઉપર તાત્કાલિક અસર જણાતી નથી પણ આગળ જતાં તેના વ્યાજની ચુકવણીના કારણે સરકાર માટે તે જવાબદારી બની જાય છે. 
ગયા ફેબ્રુઆરી મહિનામાં નાણાં પ્રધાન સીતારામને પીએસયુ બેન્કોનું મૂડીકરણ કરવા બાબતે ઈચ્છા વ્યક્ત કરી નહોતી પણ તે સમયે કોરોના મહામારીનો અંદાજ કોઈને નહોતો તેથી હવે આર્થિક સંકટના પગલે પીએસયુ બેન્કોને મૂડી ફાળવવી જરૂરી બની હોવાનું નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. 
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ગત જુલાઈમાં કહ્યું હતું કે બેન્કો માટે મૂડી ફાળવવાની યોજના ઘડવી અનિવાર્ય છે. તેમણે બેન્કોને પણ નાણાં વ્યવસ્થા મજબૂત બનાવવા માટે અત્યારથીજ ભંડોળ એકત્ર કરવાની હાકલ કરી હતી. 
આ વખતે સરકારે મોટી રકમ બેન્કોના મૂડીકરણ માટે ફાળવી નથી, હવે આ રૂ.20,000 કરોડનું વિતરણ સરકાર કઈ રીતે બેન્કોને કરે છે તે જોવાનું રહે છે. આ અગાઉ સરકારે 2017- 18માં રૂ.80,000 કરોડ અને 2018 -19માં 1.06 લાખ કરોડ પીએસયુ બેન્કોને ફાળવ્યા હતા. 
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer