રૂ બજારમાં તેજીનો કરંટ : પાકનો અંદાજ વધીને 354.5 લાખ ગાંસડી

રૂ બજારમાં તેજીનો કરંટ : પાકનો અંદાજ વધીને 354.5 લાખ ગાંસડી
ઇબ્રાહિમ પટેલ તરફથી 
મુંબઈ તા. 14: જો તમે રૂ, મકાઈ અને સોયાબીનના તેજીવાળા હો તો, ખયાલ રાખવોકે હવે ઘણા  તેજીવાળા બજારમાં આવી ગયા છે. મહત્તમ કોમોડીટી બજાર તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો જણાય છે કે ગત સપ્તાહે ઉક્ત ત્રણ કોમોડીટીમાં ભાવ સૌથી વધુ વધ્યા હતા. અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)એ અનાજ ઉગાડતા અમેરિકન રાજ્યોમાં પુર જેવી સ્થિતિ અથવા દુષ્કાળ જેવી સ્થિતિનો હવાલો આપીને અનાજના ઉત્પાદનના વિક્રમ અંદાજોમાં, ઓગસ્ટની તુલનાએ સારો એવો ઘટાડો કર્યો હતો. રૂનો વેપાર અત્યારે મધ્યમ ટ્રેડીંગ ભાવ રેન્જમાં થાય છે. અલબત્ત, રૂ બજાર તેજીના માર્ગે આગળ વધી રહી છે.  
સીબીઓટી ડીસેમ્બર રૂ વાયદો શુક્રવારે એક તબક્કે 65.61 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) બોલાયો હતો. બે એપ્રિલે 50.18 સેન્ટનું તળિયું બનાવ્યું ત્યાંથી ભાવે હાયર લો અને હાયર હાઈ બનાવી લીધા છે. 25 ઓગસ્ટે 66.45 સેન્ટની તાજેતરની હાઈ બનાવી હતી. ભારતમાં પણ અનેક રાજ્યોમાં પુરગ્રસ્ત સ્થિતિને લીધે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી આવનાર નવા પાકમાં પોલ આવવાની સંભાવના વ્યક્ત થવા લાગી છે. 
શુક્રવારે યુએસડીએએ રજુ કરેલા સપ્ટેમ્બર વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટમાં કહ્યું હતું કે બજારમાં તેજીનો કરંટ સ્થાપિત થયો છે. અલબત્ત, વર્તમાન મોસમના સરેરાશ ભાવનો અંદાજ ઓગસ્ટ જેટલો જ 59 સેન્ટ મુક્યો હતો. જાગતિક વર્ષાંત સ્ટોક ઓગસ્ટ અંદાજથી 11 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો) 1038 લાખ ગાંડી મુક્યો હતો, જે 2029-20 કરતા 44 લાખ ગાંસડી વધુ છે. અમેરિકન રૂ ઉત્પાદન અનુમાન 2019 કરતા 14 ટકા ઘટીને 107.6 લાખ ગાંસડી મુક્યું હતું. તમામ અમેરિકન વાવેતર અંદાજ ગત વર્ષ કરતા 12 ટકા ઓછું અને પાછલા અંદાજ કરતા એક ટકો ઘટાડીને 121 લાખ એકર મુકવામાં આવ્યું છે. 
ચીનમાં સેન્જીયાંગ પ્રાંત માટેની ખોટી સરકારી નીતિને પડકારવા અને ઉત્તરપૂર્વના સેન્જીયાંગ ઉઈગર ઓટોનોમસ વિસ્તારમાં માનવ અધિકારોનું હનન કરવાના આક્ષેપ સાથે એ વિસ્તારમાંથી આયાત થતા રૂ પર પ્રતિબંધ મુકવાનું અમેરિકન સરકાર વિચારી રહી છે. આંકડા કહે છે કે 2019મા અમેરિકાની કુલ રૂ પ્રોડક્ટોનો 24 ટકા અને 2018મા 18 ટકા આયાતચીનથી થયેલી. ચીનના કુલ રૂ ઉત્પાદન અને સ્પીનીંગ ઉત્પાદનનો અનુક્રમે 85 ટકા અને 13 ટકા હિસ્સોસેન્જીયાંગ પ્રાંત ઉત્પાદિત કરે છે. 
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા કહે છે કે વિસ્તરી રહેલા પુરાંત સ્ટોકને ઘટાડવા અને નબળી માંગને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરમાં શરુ થતી રૂ સીઝનની નવી આવકો પૂર્વે 15થી 20 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિલો) બાંગ્લાદેશમાં નિકાસ કરી દેવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કોટન એસોસિયેશ ઓફ ઇન્ડિયાએ ભારતમાં 2019-20ની મોસમનો રૂ પાક અંદાજ 19 લાખ ગાંસડી વધારીને 354.5 લાખ ગાંસડી મુક્યો છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer