સોના-ચાંદીમાં ધીમો સુધારો

સોના-ચાંદીમાં ધીમો સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 : નબળા ડોલરને લીધે સોનામાં સુધારો હતો. બીજી તરફ ફેડ દ્વારા ચાલુ સપ્તાહમાં ફરીથી નાણાનીતિ અંગે ચર્ચા શરું કરશે તેવી વાતો થવા લાગતા સોનામાં ઘટાડો અટક્યો હતો. ન્યૂયોર્કમાં સોનું ઔંસદીઠ 1944 ડોલર અને ચાંદી 26.81 ડોલર હતી. 
સીએમસી માર્કેટસના માઇકલ હ્યુસન કહે છે, સોનાનો સુધારો ફેડના વધુ એક  નબળા નિવેદનને લીધે આવ્યો છે. તેમણે કહ્યું કે, ફેડે ફુગાવો સરેરાશ રહેવાનો લક્ષ્યાંક દર્શાવ્યો છે એ કાર્ણે  ફરીથી બજારમાં અનિશ્ચિતતા સર્જાઇ છે. ખરેખર તો ફુગાવો સરેરાશ રહેવાનો હોય તો તેનું પરિણામ શું આવશે તેનો પણ ફેડે વિચાર કરવો જોઇએ. ફુગાવો વધશે તેવું બજારને લાગતા સોનું સોમવારે ઉંચકાયું હતુ. 
મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજદર જાળવી રાખવામાં આવે તેવી શક્યતા વધારે છે. ખરેખર તો જો ફુગાવો 2 ટકા કે તેની નીચે જળવાઇ રહેવાની સંભાવના હોય તો સોનામાં ખરીદીનો પ્રવાહ જળવાઇ રહી શકે છે. બેંક ઓફ જપાન અને બેંક ઓફ ઇંગ્લેન્ડની નાણાનીતિનું પરિણામ ગુરુવારે આવવાનું છે તેના ઉપર બજારની નજર છે. યુકેના બ્રેક્ઝિટ સોદા અને વડાપ્રધાન બોરિસ જોન્સનની સંધિ અંગે સંસદમાં યોજાનારા મતદાન પછી પણ સોનાને દિશા મળશે તેમ અભ્યાસુઓ કહેતા હતા. 
ચાર્ટીસ્ટોના કહેવા પ્રમાણે સોનાના ભાવ ચોક્કસ રેન્જમાં ટૂંકાગાળામાં અથડાઇ રહેવાની ધારણા છે. સોનાની રેન્જ 1925-1965 વચ્ચે રેહશે.  ચાંદીની રેન્જ 26-2740 હશે. 
રાજકોટની ઝવેરી બજારમાં લોકડાઉન ચાલી રહ્યું છે 
પણ ખાનગીમાં 24 કેરેટ સોનું રૂા. 200 વધીને રૂા. 51600 અને ચાંદી રૂા. 300 વધીને રૂા. 62200 હતી. મુંબઇમાં સોનું રૂા. 47ના ઘટાડામાં રૂા. 51394 અને ચાંદી રૂા. 201 ઘટતા રૂા. 65223 રહી હતી.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer