અૉગસ્ટમાં હોલસેલ અને રિટેલ ફુગાવો વધ્યો

અૉગસ્ટમાં હોલસેલ અને રિટેલ ફુગાવો વધ્યો
સતત ચાર મહિના સુધી હોલસેલ ફુગાવો નકારાત્મક રહ્યો હતો 
નવી દિલ્હી, તા. 14: ઓગસ્ટ મહિનામાં મુખ્ય જણસોના ભાવમાં વધારો થવાથી હોલસેલ ફુગાવો 0.16 ટકા વધ્યો હતો. જે જુલાઈ મહિનામાં નકારાત્મક 0.58 ટકા હતો. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઈ) દ્વારા સોમવારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.  
ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો સામાન્ય ઘટીને 6.69 ટકા થયો છે જે જુલાઈ માસમાં 6.73 ટકા હતો. જોકે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના 4થી 6 ટકાના અંદાજીત લક્ષ્ય કરતા રિટેલ ફુગાવો વધુ આવ્યો છે. 
ગયા ઓગસ્ટ મહિનામાં આરબીઆઈએ ફુગાવો વધવાની આશંકાએ મુખ્ય ધિરાણ દરો યથાવત્ત રાખ્યા હતા. 
સતત ચાર મહિના સુધી હોલસેલ ફુગાવો નકારાત્મક રહ્યા બાદ ઓગસ્ટમાં તે સકારાત્મક બન્યો છે. દરમિયાન ખાદ્ય પદાર્થોનો ફુગાવો જુલાઈમાં 4.32 ટકા હતો તે ઓગસ્ટમાં ઘટીને 4.07 ટકા થયો હતો.  
હોલસેલ ફુગાવો દર મહિનાની 14મી તારીખે પ્રસિદ્ધ થાય છે. પ્રાઇમરી આર્ટિકલનો ફુગાવો જુલાઈમાં 143.7 હતો તે ઓગસ્ટમાં વધીને 146.3 થયો હતો. જે 1.81 ટકાનો વધારો દર્શાવે છે.  
ચાર મુખ્ય જણસોમાં ખનિજ 10.21 ટકા, ક્રૂડ,  પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ 4.72 ટકા, નોન ફૂડ આર્ટિકલ્સ 3.06 ટકા અને ફૂડ આર્ટિકલ્સના ભાવ 0.93 ટકા વધ્યા હતા. 
ઉત્પાદિત ખાદ્ય પદાર્થોમાં પીણાં, ચામડા અને એની વસ્તુઓ, લાકડા અને તેની વસ્તુઓ, પ્રિન્ટિગ, દવા અને રસાયણો, મૂળભૂત ધાતુ, ઇલેક્ટ્રિકલ સાધનો, મશીનરી અને અન્ય પરિવહનના સાધનોના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.  
ગયા જુલાઈ મહિના સુધી સતત ચાર વખત હોલસેલ ફુગાવો નકારાત્મક રહ્યો હતો. જુલાઈમાં - 0.58 ટકા, જુનમાં - 1.81 ટકા અને મે મહિનામાં - 3.37 ટકા હતો.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer