અમદાવાદ હાઈવે પર રૂ. એક કરોડનું ડ્રગ્સ પકડાયું

મુંબઈ, તા. 14 : મુંબઈ-અમદાવાદ હાઈવે પર અમદાવાદના એક આસિસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર અને બીજા બે ઈસમ એક કરોડ રૂપિયાના કેફીદ્રવ્યો સાથે પકડાયા હતા. આ ત્રણેને કન્સાઈનમેન્ટ મુંબઈથી લઈને અમદાવાદ પહોંચાડવાનું કામ સોંપનાર બીજા બે રવિવારે મુંબઈ હવાઈમથકે પકડાયા હતા. આ બે જૂના ડ્રગ્સ કેસના આરોપી છે.  
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે ત્રિપુટી સફેદ કારમાં મુંબઈથી કન્સાઈનમેન્ટ દેવા અમદાવાદ જઈ રહી છે અને તેની પાસે 995 ગ્રામ મેફેડ્રોન (એમડી) છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કારને આતંરી હતી અને એમડી પકડયું હતું. અમદાવાદના દાંડીલીમડા પોલીસના એસીબી ફિરોઝખાન નાગોરીની પણ અટક કરાઈ હતી. કારમાં બીજા બે આરોપી પણ અમદાવાદના છે અને તેમના નામો મોહમ્મદ આરીફ કાઝી અને ઈમરાન પદીયાર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કહ્યું હતું કે અમે કારને આંતરી હતી અને અમને આંચકો લાગ્યો હતો જ્યારે અમે જોયું હતું કે એએસઆઈ યુનિફોર્મ પહેરીને કારની આગળી સીટમાં બેઠા છે. આ ત્રણેની પૂછપરછ દરમ્યાન માલૂમ પડ્યું હતું કે ઈમરાન અજમેરી અને સાહેજાદ હુસૈની તેજાબવાલાએ મુંબઈમાંથી કન્સાઈનમેન્ટ લીધા બાદ આ ત્રણેને સુપરત કર્યું હતું. આ બન્ને હૈદરાબાદ ફ્લાઈટમાં જઈ રહ્યા હતા ત્યારે ઁતેમની મુંબઈ હવાઈમથકે ધરપકડ કરાઈ હતી.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer