આ વખતે મુંબઈમાં હું સલામત રહી એ મારા સદનસીબ : કંગના

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર સરકાર સાથે પંગો લેનાર અભિનેત્રી કંગના રનૌત સોમવારે પોતાના વતન મનાલી જવા રવાના થઈ હતી. જતા પહેલા તેણે કહ્યું હતું કેમને પરેશાન કરવામાં આવી એ બાદ હું કમને મુંબઈથી રવાના થઈ રહી છું અને મુંબઈની પીઓકે સાથેની મેં જે સરખામણી કરી હતી તેને હું વળગી રહું છું. 
મુંબઈ એરપોર્ટ પહોંચતા પહેલા તેણે એક ટ્વીટમાં કહ્યું હતું કે હું કમને મુંબઈથી નીકળી રહી છું. છેલ્લાં થોડા દિવસથી મારા પર સતત પ્રહારો થયા છે અને મને ગાળો ભાંડવામાં આવી છે. પહેલા મારી ઓફિસ તોડવામાં આવી, પછી મારું ઘર તોડવાનો પ્રયત્ન થયો. મારી ફરતે સશસ્ત્ર સુરક્ષા કવચ હતું.. 
ચંડીગઢ પહોંચ્યા બાદ તેણે ફરી એક ટ્વીટ કરી હતી. એમાં તેણે કહ્યું હતું કે મારી સલામતીમાં ખાસ્સો ઘટાડો થયો છે અને લોકો મને ખુશી ખુશી અભિનંદન આપી રહ્યા છે. મને લાગે છે આ વખતે હું બચી ગઈ છું. એક સમય હતો જ્યારે મુંબઈમાં પગ મૂકું ત્યારે મમતા જેવા સ્પર્શનો અનુભવ થતો. જોકે આજે પરિસ્થતિ એવી છે કે હું જીવતી છું એ મારા નસીબ છે. શિવસેના જ્યારથી સોનિયા સેના બની છે ત્યારથી મુંબઈનું પ્રશાસન દહેશત ફેલાવે છે. 
અન્ય એક ટ્વીટમાં કંગનાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના સીએમનો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે જ્યારથી મેં સુશાંત હત્યા કેસમાં મૂવી માફિયા અને તેમના ડ્રગ કનેકશનનો, તેમનો વહાલો દીકરો આદિત્ય કોની કોની સાથે ફરે છે એનો ફોડ પાડ્યો છે ત્યારથી એ મારો મોટો ગુનો બની ગયો છે. એટલે તેઓ મને કોઈ રીતે ફિક્સ કરવા માગે છે. જોઈએ કોણ કોને ફિક્સ કરે છે 
કંગના નવમી સપ્ટેમ્બરના હિમાચલ પ્રદેશથી મુંબઈ આવી હતી અને સાત દિવસમાં મુંબઈ છોડવંય તેના માટે બંધનકર્તા હતું. તેણે સાત દિવસમાં પાછા જવાની પાલિકાને ખાતરી આપતા તેને 14 દિવસના ક્વૉરેન્ટાઈમાંથી છૂટ આપવામાં આવી હતી. 
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer