સાઉદીમાં લૉકડાઉન ભંગ બદલ સેંકડો ભારતીયો જેલમાં

એક કેદીએ સોશ્યલ મીડિયા દ્વારા વડાપ્રધાન મોદીની મદદ માગી
નવી દિલ્હી, તા.14: સાઉદી અરેબિયાની એક જેલના ઓરડામાં અઢીસોથી વધુ ભારતીયોને જાનવરની જેમ રાખવામાં આવતાં ગૂંગળાયેલા એક ભારતીય કેદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માગી હતી. 
આમાંના મોટા ભાગના કેદીઓ લૉકડાઉનનો ભંગ કરતાં પકડાયા હતા. મોટા ભાગના  ભારતીય કેદીઓને જાનવરની જેમ રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે. દેવબંદના એક મુસ્લિમ યુવાન મુસ્તકિમે વડા પ્રધાનને સોશ્યલ મિડિયા પર વિનંતી કરી હતી કે અમને ઊગારી લો. 
સોશ્યલ મિડિયા પર મૂકેલા ઓડિયોવિડિયો ક્લીપમાં એવો દાવો કરાયો હતો કે લૉકડાઉનનો ભંગ કરનારા હજારો ભારતીયો અહીં જેલમાં જાનવરની જેમ સબડી રહ્યા હતા. આ સંદેશો ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં દાવાનળની પેઠે વાઇરલ થયો હતો. સાઉદી અરેબિયાની જેલમાં રહેલા આ ભારતીય કેદીઓએ ચૂપચાપ આ વિડિયો ક્લીપ બનાવીને સોશ્યલ મિડિયા પર મૂકી હતી.  
મુસ્તકિમના કુટુંબીજનોએ પણ વડા પ્રધાનને વિનંતી કરી હતી કે આ લોકોને છોડાવવામાં તમારી વગનો ઉપયોગ કરો. આ યુવકે એવો દાવો પણ કર્યો હતો કે લૉક ડાઉનનો ભંગ કરતાં પકડાયેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને છોડાઇ રહ્યા હતા જ્યારે અમને એક ઓરડામાં ઠાંસી ઠાંસીને  ભરવામાં આવ્યા હતા. અમારી સાથે જાનવર જેવો વર્તાવ કરાઇ રહ્યો હતો. 
સહરાનપુરમાં મુસ્તકીમની પત્ની શબાનાએછ કહ્યું કે મારો પતિ લૉકડાઉન પહેલાં સાઉદી અરેબિયા કામ કરવા ગયો હતો. સોશ્યલ મિડિયા પર રજૂ થયેલી ક્લીપ મારા પતિ મુસ્તકિમની જ છે. એ સાઉદી અરેબિયાની જેલમાં ખૂબ હેરાન થઇ રહ્યો હતો.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer