મૃતદેહની અદલાબદલી પ્રકરણે વધુ બે કર્મચારી સસ્પેન્ડ

મુંબઈ, તા. 14 : પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં બે મૃતદેહોની અદલાબદલી મામલે બે ડૉક્ટરને કાલે મોડી રાત્રે સસ્પેન્ડ કરાયા બાદ આજે શબગૃહના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની સાથે પૂછપરછ શરૂ કરાઈ છે. આવી ભૂલોને પાલિકા સમર્થન કરતી નથી અને જેમણે આવી ગંભીર ભૂલ કરી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, મૃત વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરતી વખતે કિડની કાઢી લેવામાં આવી હોવાના આક્ષેપને પ્રશાસને નકારી દીધો હતો. 
સાયન ખાતેની લોકમાન્ય ટિળક મહાનગરપાલિકા હોસ્પિટલમાં અંકુશ સરવડે (26)ને 28 ઓગસ્ટે દાખલ કરાયો હતો. એકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અંકુશને ઓપરેશન બાદ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો. અંકુશનું રવિવારે અવસાન થતાં એના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. 
દરમ્યાન, સાયન હોસ્પિટલમાં જ હેમંત દિગંબરને શનિવારે એના સગાસંબંધીઓ મૃત અવસ્થામાં લઈને આવ્યા હતા. અંકુશ અને હેમંતના પોસ્ટમોર્ટમ રવિવારે સવારે કરવામાં આવ્યા બાદ બંને મૃતદેહ મોર્ગમાં રાખવામાં આવ્યા. હોસ્પિટલ પ્રશાસને રવિવારે સવારે જ અંકુશના સંબંધીઓને જાણ કરતા તેમણે સાંજે ચાર વાગ્યે આવી મૃતદેહનો કબજો લેશે એમ જણાવ્યું. દરમિયાન હેમંતના સંબંધીઓ ત્યાં આવ્યા અને અંકુશનો મૃતદેહ હેમંતનો હોવાનું જણાવવાની સાથે બધી પ્રક્રિયા પૂરી કરી લઈ ગયા અને અંતિમ સંસ્કાર પણ કર્યો હોવાનું પાલિકાએ જણાવ્યું. 
પછીથી અંકુશનો મૃતદેહ લેવા આવેલા પરિવારજનોને આ વાતની જાણ થતાં હૉસ્પિટલમાં ઉહાપોહ મચાવ્યો હતો.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer