સમયસરના લૉકડાઉનથી 37થી 78 હજાર લોકોને બચાવી શકાયા : ડૉ. હર્ષવર્ધન

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સોમવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભામાં કહ્યું હતું કે, લોકડાઉન લાગુ કરવાથી 37થી 78 હજાર લોકોનો જીવ બચાવી શકાયો છે. આ ઉપરાંત ચાર મહિના ચાલેલા દેશવ્યાપી બંધનાં કારણે 14-29 લાખ કોરોના કેસને પણ રોકી શકાયા છે. 
ડો. હર્ષવર્ધને સંસદમાં કહ્યું હતું કે, આ ચાર મહિનાનો ઉપયોગ વધારાનાં સ્વાસ્થ્ય માળખાનું નિર્માણ, માનવ સંસાધન વધારવા, પીપીઈ કિટ્સ, એન95 માસ્ક અને વેન્ટિલેટર જેવા મહત્ત્વપૂર્ણ સાધનો બનાવવામાં કરવામાં આવ્યો હતો. માર્ચ 2020ના મુકાબલે આઇસોલેશન બેડમાં 36.3 ગણો, આઈસીયુ બેડમાં 24.6 ગણો વધારો થયો છે. અગાઉ દેશમાં પીપીઈ કિટ બનથી નહોતી પણ હવે પીપીઈ કિટ્સનું નિર્માણ થાય છે અને નિકાસ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉનનાં કારણે પ્રતિ 10  લાખ જનસંખ્યામાં 3328 મામલા અને 55 મૃત્યુ સુધી સીમિત કરવામાં સક્ષમ રહ્યા છીએ. આ આંકડો દુનિયાના અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. સૌથી વધુ કેસ અને મૃત્યુ જે રાજ્યોમાં થયા છે તેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણ, ઓરિસ્સા, આસામ, કેરળ અને ગુજરાત છે. આ તમામ રાજ્યોમાં ઓછામાં ઓછા એક લાખ મામલા સામે આવી ચૂક્યા છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer