સંસદમાં ચીન અને કોરોના જેવા મહત્ત્વના મુદ્દે ચર્ચા થશે : શિવસેના

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : સંસદના શરૂ થયેલા ચોમાસું અધિવેશનમાં અંકુશ રેખા ઉપર ચીનના આક્રમણ, કોવિડ-19 અને બેરોજગારી જેવા મહત્ત્વના મુદ્દાઓ વિશે ચર્ચા થશે એવો પ્રશ્ન શિવસેનાએ પૂછયો હતો.
શિવસેનાના મુખપત્ર `સામના'માં તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે ચીનએ અંકુશરેખાનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે, કોરોનાના ઉપદ્રવનો અંત નિકટ જણાતો નથી અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. સંસદમાં આ વિષયો ઉપર ગંભીર ચર્ચા થશે. વર્ષ 2016ની નોટબંધીને કારણે અસંખ્ય લોકોએ રોજગારી ગુમાવી છે. 
હવે કોરોનાના લીધે કરવામાં આવેલા લોકડાઉનને કારણે અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. દેશની સલામતી અને લોકોની રોજગારી જેવાં પ્રશ્નો ઊભા થયા છે. આ મહત્ત્વના મુદ્દા ઉપરથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે બિનજરૂરી મુદ્દાઓને ચગાવવામાં આવી રહ્યા છે. આ બાબત લોકો સાથે ઠગાઈ સમાન છે. ચીનના મુદ્દા ઉપરથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. શાસક પક્ષનો સાયબર ડિપાર્ટમેન્ટ એવું વાતાવરણ ઊભું કરે છે કે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા ગૌણ છે. નૌકાદળના નિવૃત્ત અધિકારી મદન શર્મા ઉપર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે આ `મહાન કામ'ને આગળ ધપાવવા માટે મુંબઈને જાણીને પસંદ કરવામાં આવી રહ્યું છે. શર્મા ઉપરનો હુમલો ટીકાપાત્ર છે પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વાંધાજનક કાર્ટૂન ફેલાવવાથી શું સિદ્ધ થવાનું છે. નૌકાદળમાં સેવામાં હતા ત્યારે બંધારણીય હોદ્દા ધરાવનારાઓનું સન્માન કરવાનું શીખવવામાં આવ્યું નહોતું એવો પ્રશ્ન તંત્રીલેખમાં પૂછવામાં આવ્યો હતો.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer