દેશમાં કોરોનાના દર્દી 48 લાખને પાર

નવા  92 હજાર કેસ નોંધાયા : 37 લાખથી વધુએ કોરોનાને હરાવતાં રિકવરી દર વધ્યો
નવી દિલ્હી, તા. 14 : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂરઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝિલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 92071 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 4846427 સુધી પહોંચી ગઈ છે. 
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1136 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 79722 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 77512 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 3780107 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટિવ કેસ કરતાં ત્રણ ગણા કરતાં પણ વધારે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 986598 એક્ટિવ કેસ છે. 
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28994241 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 923871 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 19624520 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8445850 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝિલ અને ચોથા સ્થાન પર રશિયા છે.
2024 સુધી તમામ લોકોને નહીં મળે કોરોના વેક્સીન : સીરમ ઈન્સ્ટિટ્યૂટ 
દુનિયાની સૌથી મોટી કોરોના વેક્સીન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના કહેવા પ્રમાણે 2024 સુધીમાં દુનિયાના તમામ લોકોને મળી શકે તેટલા પ્રમાણમાં વેક્સીન તૈયાર થઈ શકશે નહીં. તેમણે ભારતના તમામ લોકો સુધી વેક્સીન બનાવવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. એક અહેવાલ મુજબ અદાર પૂનાવાલાના કહેવા પ્રમાણે દવા ઓછા સમયમાં તમામ લોકો માટે વેક્સીનનું ઉત્પાદન થઈ શકે તેટલી હદે કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી શકી નથી. પૂનાવાલાના કહેવા પ્રમાણે ધરતી ઉપરના તમામ લોકોને રસી આપવા માટે ચારથી પાંચ વર્ષનો સમય લાગશે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer