કોરોનાના કેસ વધે તો એ માટે સોસાયટીના પદાધિકારીઓ જવાબદાર ગણાશે

કોરોનાના કેસ વધે તો એ માટે સોસાયટીના પદાધિકારીઓ જવાબદાર ગણાશે
મુંબઈ, તા. 14 : કોરોનાના દરદીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે ત્યારે એની જવાબદારી નાગરિકો અને સોસાયટી પર ધકેલવાની કોશિશ પાલિકા કરી રહી છે. દરદી મળી આવે કે મહાપાલિકા દ્વારા આપવામાં આવતી નોટિસમાં સંબંધિત સોસાયટી યોગ્ય પગલાં લીધા નથી, એમ જણાવી સોસાયટીના પદાધિકારીઓ એના માટે જવાબદાર હોવાનું નોટિસમાં જણાવવામાં આવતું હોવાથી અનેક જણ નારાજી વ્યક્ત કરી રહ્યા છે. 
સૂચવાયેલા પગલાં લીધા ન હોવાથી કોરોનાના કેસ સંબંધિત સોસાયટીમાં વધ્યા હોવાનું જણાવવાની સાથે પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી નોટિસમાં અપાઈ રહી છે. આને કારણે અનેક સોસાયટીના કમિટીના સભ્યો નારાજી વ્યક્ત કરી રહ્યા છે. અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ લોકો નોકરી પર જવા લાગ્યા છે. એવામાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ તો એ માટે સોસાયટીના પદાધિકારીઓને કેવી રીતે જવાબદાર ગણી શકાય એવો સવાલ તેઓ પૂછી રહ્યા છે. પાલિકાની નોટિસની આવી ભાષાને પગલે સોસાયટીની કમિટીના સભ્યો રાજીનામાં આપવાં માંડશે તો કામ કેવી રીતે કરવું એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. 
આ અગાઉ જે સોસાયટીમાં કોરોનાના દરદીઓ મળી આવ્યા છે, એમાંની અમુકને મે-જૂનમાં આપેલી નોટિસમાં આવી ભાષાનો પ્રયોગ કરાયો નથી. એ સમયે જે વ્યક્તિથી અન્ય લોકો સંક્રમિત થઈ શકતા હોય એવા સાથે સોસાયટીના અન્ય સભ્યો સંપર્કમાં ન આવે એ જવાબદારી સોસાયટીની હોવાનું જણાવાયું હતું. પરંતુ આ રીતે દોષી જાહેર કરવાથી તો સોસાયટીમાં વિવાદ શરૂ થવાની શક્યતા છે. અત્યારે લોકો એકબીજાની મદદ કરે એવી અપેક્ષા રાખતા હોય ત્યારે તેમની વચ્ચે વિવાદ ન થાય એ માટેની કાળજી લેવાની જરૂર છે. એટલે પાલિકા નોટિસની ભાષા બદલે એવી અપેક્ષા સોસાયટીના પદાધિકારીઓ રાખી રહ્યા છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer