નિવૃત સૈનિકોના જૂથે ઉદ્ધવ ઠાકરે સરકારનું રાજીનામું માગ્યું

નિવૃત સૈનિકોના જૂથે ઉદ્ધવ ઠાકરે સરકારનું રાજીનામું માગ્યું
મુંબઈ, તા. 14 : મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર પર શિવસૈનિકોએ કરેલા હુમલાની લશ્કરના રિટાયર્ડ સૈનિકોના ગ્રુપે જોરદાર ટીકા કરી છે અને આ મામલે ઉદ્ધવ સરકારનું રાજીનામુ પણ માગ્યું છે. 
આ ઘટના કાંદિવલીમાં ગયા શુક્રવારે બની હતી. નેવીના પૂર્વ ઓફિસર મદન શર્મા (62)એ ઉદ્ધવની ઠેકડી ઉડાડતું એક કાર્ટૂન વોટ્સએપ પર ફોરવર્ડ કર્યું હતું. આ કારણસર  ઉશ્કેરાયેલા સ્થાનિક શિવસૈનિકોએ તેમની મારપીટ કરી હતી. પોલીસ પણ આ શિવસૈનિકો સામે નબળી કલમો લગાડતાં તેમને જામીન મળી ગયા હતા. 
લશ્કરના નિવૃત્ત સૈનિકોના આ જૂથે કહ્યું હતું કે નેવીના પૂર્વ ઓફિસર પર શિવસૈનિકોનો હુમલો એક આઘાતજનક ઘટના છે અને શિવસૈનિકોને જામીન પર છોડી દેવા એ જખમ પર મીઠું ભભરાવવા સમાન છે. મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ બન્નેએ આ ઘટનાને બહુ હળવાશથી લીધી એ ખરેખર આશ્ચર્યજનક બાબત છે અને આ કેસમાં ન્યાય મળે એવું લાગતું નથી. હુમલાખોરોના રાજકીય કનેકશનને કારણે તેમની સામે આકરાં પગલાં લેવાયાં નથી. 
આ નિવેદન પર 600થી વધુ રિટાયર્ડ સૈનિકોએ હસ્તાક્ષર કર્યા છે. હસ્તાક્ષર કરનારાઓમાં એર ચીફ માર્શલ (નિવૃત) પ્રદીપ નાઈક, વાઈસ એડમિરલ શેખર સિંહા (નિવૃત), લેફટેનન્ટ જનરલ (નિવૃત) ગુરમિત સિંહ અને એર માર્શલ (નિવૃત) એસપી. સિંહ જેવા વરિષ્ઠોનો પણ સમાવેશ થાય છે. 
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer