સંસદમાં કોરોનાનો ફૂંફાડો : પહેલા દિવસે જ 17 સાંસદો પોઝિટિવ

સંસદમાં કોરોનાનો ફૂંફાડો : પહેલા દિવસે જ 17 સાંસદો પોઝિટિવ
કોરોનાની ચિંતા અને સલામતીનાં માપદંડો સાથે સંકટકાળમાં ચોમાસુ સત્રની કાર્યવાહીનો આરંભ : પ્રધાનો તથા સાંસદો માસ્ક અને ફેસશિલ્ડ સાથે દેખાયા
નવી દિલ્હી, તા.14: કોરોના મહામારીની ચિંતા અને તેનાથી સુરક્ષિત રહેવાના શારીરિક અંતરના નિયમો વચ્ચે આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં પહેલા જ દિવસે 17 સાંસદો કોરોનાથી સંક્રમિત જણાતા ફફડાટ ફેલાઈ ગયો છે. આજે સત્રની કાર્યવાહી શરૂ થયા પહેલા અને ગઈકાલે રવિવારે સંસદ ભવન પરિસરમાં જ સાંસદોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેનાં રિપોર્ટ આવતા ખુલાસો થયો છે કે ભાજપના 12, વાયએસઆર કોંગ્રેસના બે અને શિવસેના, દ્રમુક, આરએલપીનાં એક-એક સાંસદો કોરોના પોઝિટિવ છે. 
કોરોના મહામારી સંબંધિત દિશાનિર્દેશોનાં પાલન સાથે આજથી સંસદનાં ચોમાસુ સત્રનો આરંભ થયો હતો. આ દરમિયાન પહેલીવાર લોકસભાનાં સદસ્યોએ રાજ્યસભામાં બેસીને કાર્યવાહીમાં ભાગ લીધો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, સામાજિક દૂરીનાં નિયમોને અનુસંધાને લોકસભાનાં સભ્યોને ઉચ્ચ સદનમાં બેસવાની અનુમતિ અને રાજ્યસભાનાં સદસ્યોને નીચલા ગૃહમાં બેસવા માટે સંસદનાં નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. 
પરંપરાગત રીતે રાષ્ટ્રગીત પછી સદનની કાર્યવાહી શરૂ કરતા કોરોના જેવા કપરા સમયમાં પણ સાંસદોની મહત્તમ હાજરીને આવકારતા બિરલાએ કહ્યું હતું કે, તમામ સુરક્ષા માપદંડોને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે અને અધિકતમ ડિજિટલાઈઝેશન કરવામાં આવેલું છે. આ સાથે જ તેમણે સદનની કાર્યવાહી દરરોજ ચાર કલાક જ ચાલવાની હોવાથી સાંસદોને પોતાની વાત સંક્ષિપ્તમાં રજૂ કરવાનો આગ્રહ પણ રાખ્યો હતો. 
કોરોના પરીક્ષણમાં જે સાંસદો પોઝિટિવ આવ્યા છે તેમાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખી, અનંતકુમાર હેગડે, પ્રવેશ સાહેબસિંહ વર્મા, સુખબીર સિંહ, પ્રતાપ રાવ જાધવ, જનાર્દન સિંહ, હનુમાન બેનીવાલ, સેલ્વમજી, પ્રતાપ રાવ પાટીલ, રામશંકર કઠેરિયા, સત્યપાલ સિંહ સહિત અન્યોનો સમાવેશ થાય છે.
કોરોનાએ બદલ્યું સંસદનું દૃશ્ય
લોકસભાનાં ઈતિહાસમાં પહેલીવાર સંસદની કાર્યવાહીમાં ભાગ લેનાર સાંસદોને પોતાનાં સ્થાન ઉપર બેસીને બોલવાની અનુમતિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સરકારનાં પ્રધાનો અને અન્ય સદસ્યો માસ્ક પહેરીને સંસદમાં આવ્યા હતાં અને સામાજિક અંતરનો ખ્યાલ પણ રખાયો હતો. વડાપ્રધાન મોદીએ વાદળી રંગનું થ્રી લેયર માસ્ક પહેર્યુ હતું તો નાણામંત્રી નિર્મલા સીતારમણ અને એલજેપીનાં પ્રમુખ ચિરાગ પાસવાન મિથિલા પેઈન્ટિંગવાળા માસ્ક ધારણ કરીને આવ્યા હતાં. 
રાજનાથસિંહ સફેદ માસ્ક પહેરીને આવ્યા હતાં. તૃણમૂલ કોંગ્રેસનાં કલ્યાણ બેનરજી અને અન્ય સદસ્યોએ ફેસ શિલ્ડ પહેરીને સંસદમાં પ્રવેશ કર્યો હતો. સદનમાં સાંસદોની સુરક્ષા સુનિશ્ચિત કરવાં માટે પ્રત્યેક બેઠકની સામે પ્લાસ્ટિકનાં શિલ્ડ કવર લગાવવામાં આવેલા છે. લોકસભા ચેમ્બરમાં મોટી ટીવી ક્રીન લગાવવામાં આવેલી છે. જેમાં રાજ્યસભાનાં ખંડમાં બેસીને કાર્યવાહીમાં ભાગ લેનાર લોકસભાનાં સાંસદોને પણ તેમાં જોઈ શકાતા હતાં.
એટેન્ડન્સ રજીસ્ટર મારફત હાજરી
સંસદમાં સાંસદોની હાજરી નોંધવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. સાંસદોએ એટેન્ડન્સ રજીસ્ટર મોબાઈલ એપનાં માધ્યમથી લોકસભામાં હાજરી પૂરાવી હતી. આજે પહેલીવાર જ આ પ્રણાલી અમલમાં મૂકાઈ હોવાથી અનેક સાંસદોએ દિલચસ્પીથી તેની પ્રક્રિયા પણ સમજી હતી. 
પ્રશ્નકાળ સ્થગિત રાખવાનો પ્રસ્તાવ મંજૂર
કોંગ્રેસ સહિતનાં વિપક્ષનાં ભારે વિરોધ વચ્ચે સરકારે સંસદનાં ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્નકાળ સ્થગિત રાખવા અને બિનસરકારી કામગીરી પણ બંધ રાખવાનાં પ્રસ્તાવને લોકસભામાં મૂક્યો હતો અને તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. વિપક્ષીદળોએ સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરતાં આરોપ લગાવ્યો હતો કે સરકાર સવાલોથી છટકી જવા માગે છે. કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પ્રશ્નકાળ સંસદનો સુવર્ણકાળ હોય છે પરંતુ સરકાર કહે છે કે સંજોગો ધ્યાને લેતા આ શક્ય નથી. આ લોકતંત્રનું ગળું ઘોંટવાનો પ્રયાસ છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જવાબમાં કહ્યું હતું કે, સરકાર સવાલોથી ભાગતી નથી બલ્કે તમામ સવાલોનો જવાબ આપવા તૈયાર છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer