દેશ સેનાની સાથે હોવાનો સામૂહિક સંદેશો સંસદ અને સાંસદો આપશે : વડા પ્રધાન

દેશ સેનાની સાથે હોવાનો સામૂહિક સંદેશો સંસદ અને સાંસદો આપશે : વડા પ્રધાન
સીમા પર ચીન સાથે તણાવ મુદ્દે મોદીનો મજબૂત સંદેશ
આનંદ કે.વ્યાસ તરફથી
નવીદિલ્હી, તા.14 : કોરોના મહામારીનાં કારણે અભૂતપૂર્વ સાવધાનીઓ વચ્ચે આજે શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર સતત 18 દિવસ માટે ચાલશે. આ સંજોગો વચ્ચે પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીમાએ ચીન સાથેની મડાગાંઠ મુદ્દે સખત સંદેશો આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, આશા રાખીએ કે સંસદ અને તમામ સાંસદો દેશ સૈનિકોની સાથે સંગઠિત હોવાનો સામુહિક સંદેશો સાંપડશે. આજે સંસદની કાર્યવાહીનાં પહેલા દિવસે જ રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ ખરડો-2019 અને ભારતીય ઔષધ વ્યવસ્થા આયોગ વિધયેક-2019 પસાર કરવામાં આવ્યા હતાં. 
સંસદનાં સંત્રની પૂર્વે વડાપ્રધાન મોદીએ ચીન સીમા વિવાદમાં મજબૂત સંદેશો આપતાં કહ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર સૈનિકોની સાથે હોવાનો મજબૂત સંદેશો સંસદ અને સાંસદો આપશે તેવી આશા છે. વડાપ્રધાનનાં આ નિવેદન ઉપર ચીન મુદ્દે સરકારનાં નિવેદનની માગણી કરતાં વિપક્ષોની પ્રતિક્રિયા પણ આવી હતી. કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, આપણાં દળોનાં સમર્થનમાં આપણે સંગઠિત છીએ તેમાં કોઈ શંકા નથી. પરંતુ ચીન સીમાએ શું બની રહ્યું છે તે સરકાર કેમ સ્પષ્ટ કરતી નથી? ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા ભારત-ચીન મડાગાંઠ મુદ્દે સંસદમાં ચર્ચાની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ વિશે નિવેદન કરે તેવી સંભાવના જોવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, વિશિષ્ટ સંજોગોમાં સંસદનું સત્ર મળી રહ્યું છે અને સાંસદોએ કોરોનાકાળમાં પણ પોતાની ફરજનો માર્ગ અપનાવ્યો છે. કોવિડ સંબંધિત તમામ ધારાધોરણોનું પાલન થશે અને જ્યાં સુધી તેની કોઈ દવા ઉપલબ્ધ ન બને ત્યાં સુધી હથિયાર હેઠા મૂકવામાં નહીં આવે. તેમણે આગળ ઉમેર્યુ હતું કે, સંસદનાં મંચ ઉપર અનેક મહત્વનાં મુદ્દાઓની ચર્ચા થશે અને જેટલી વધુ ચર્ચા થશે તેટલું જ વધુ સારુ લેખાશે.
સત્તરમી લોકસભાનાં ચોથા સત્રનો આરંભ પણ અંદાજ અનુસાર ભારે ગરમાગરમી વચ્ચે થયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને અન્ય દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા બાદ જ્યારે ગૃહ ફરીથી મળ્યું ત્યારે કોંગ્રેસ, સીપીએમ, તૃણમૂલ અને એઆઈએમઆઈએમનાં સાંસદો દ્વારા પ્રશ્નકાળ જારી રાખવા મુદ્દે જોરદાર માગણી કરવામાં આવી હતી.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer