મોદી, કોવિંદ, સોનિયા જેવા નેતાઓની ચીને કરી જાસૂસી

મોદી, કોવિંદ, સોનિયા જેવા નેતાઓની ચીને કરી જાસૂસી
દુનિયાભરના 24 લાખ લોકોની માહિતી એકત્ર કરી રહેલા ડ્રેગનનો ભાંડો ફૂટયો 
બ્રિટન, અૉસ્ટ્રેલિયાના વડા પ્રધાન પણ નિશાન પર
લંડન / નવી દિલ્હી / કેનબેરા, તા.14: ચીન સાથે અત્યારે સરહદ પર ગતિરોધ જારી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત દુનિયાભરના 24 લાખ મહત્વપૂર્ણ લોકોની ચીની જાસૂસી ખુલ્લી પડી  છે. ચીનની આર્મી અને ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની લિમિટેડ દ્વારા આ જાસૂસી કરવામાં આવી હતી. આ 24 લાખ લોકોમાંથી 10 હજાર લોકો અને સંગઠનો ભારતના હતા અને લગભગ 35 હજાર લોકો ઓસ્ટ્રેલિયાના હતા. 
ઝેન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી કું. લિ.ના ગ્રાહકોમાં ચીની સેના અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનો સમાવેશ થાય છે. આ જાસૂસી દરમિયાન લોકોની જન્મ તારીખ, સરનામાંઓ, વૈવાહિક દરજ્જો, ફોટા, રાજકીય જોડાણ, સંબંધીઓ અને સોશિયલ મીડિયા આઈડી શામેલ છે. આ ચીની કંપની ટ્વિટર, ફેસબુક, લિંક્ડિન, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક એકાઉન્ટ્સમાંથી માહિતી એકત્રિત કરી રહી હતી. આ ઉપરાંતં સમાચારો, ગુનાહિત રેકોર્ડ્સ અને કોર્પોરેટ ગુના અંગે પણ જાસૂસી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.
મોટાભાગની માહિતી ખુલ્લા સ્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી પરંતુ કેટલીક માહિતી ગુપ્ત બેંક રેકોર્ડ્સ, જોબ એપ્લિકેશન અને મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ્સમાંથી પણ લેવામાં આવી હતી. 
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાંગ શુઇફેંગ આઇબીએમના ભૂતપૂર્વ કર્મચારી છે અને `હાઈબ્રીડ યુદ્ધ' અને `મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ચલાવવાનો દાવો કરે છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન પણ ચીની કંપનીના નિશાન પર હતા.
ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને તેમનો પરિવાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પંજાબના સીએમ અમારિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઓડિસાના સીએમ નવીન પટનાયક , મધ્યપ્રદેશના સીએમ શિવરાજાસિંહ ચૌહાણ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ પણ આ ચીની કંપની પર નજર રાખતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કંપની સીડીએસ બિપિન રાવત અને ઓછામાં ઓછા 15 આર્મી, નેવી અને એરફોર્સના પૂર્વ વડાઓ પર પણ નજર રાખે છે. આ સિવાય મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) શરદ બોબડે અને જાસ્ટિસ એ.એમ.ખાનવિલકરથી લોકપાલ જસ્ટિસ પી.સી. ઘોષ અને સીએજી જીસી મુર્મુ અંગે પણ માહિતી એકત્રિત કરતી હતી.  ટોચના ઉદ્યોગકારો રતન ટાટા અને ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગકારો પણ જાસૂસીના રેડાર પર હોવાનું ખૂલ્યું છે.    
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer