વિલે પાર્લેથી બોરીવલી સુધીના ત્રણ વૉર્ડમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા

મુંબઈ, તા. 15 : જાહેર આરોગ્ય સેવાના અધિકારીઓ માટે વિલે પાર્લેથી બોરીવલી સુધીના પટ્ટામાં આવેલા ત્રણ વૉર્ડ સૌથી વધુ ચિંતાનું કારણ બન્યા છે. આ ત્રણેય વૉર્ડમાં કોવિડ-19ના કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. 
આર-મધ્ય (બોરીવલી)માં મહામારી બહુમાળી બિલ્ડિંગમાં ફેલાઈ રહી છે. ત્યાં સંક્રમિતોની સંખ્યા 10223 પર પહોંચી છે જે તમામ વૉર્ડમાં સૌથી વધુ છે. જ્યારે પી-ઉત્તર (મલાડ)માં કેસની સંખ્યા 10,079 પર પહોંચી છે. તો કે-પૂર્વ (જોગેશ્વરી-અંધેરી-વિલે પાર્લેનો પટ્ટો)માં 10,027 કેસ નોંધાયા છે. 
શહેરમાં મે-જૂન દરમિયાન મહામારીનું જોર વધ્યું હતું ત્યારે એ સમયના હૉટસ્પૉટ ગણાતા દક્ષિણ-મધ્ય મુંબઈ કરતા અહીં ઘણા ઓછા કેસ નોંધાયા હતા. 
પાલિકાના અધિકારીએ જણાવ્યુ કે, અંધેરી (પશ્ચિમ), ભાંડુપ, મુલુંડ, દહિસર અને ઘાટકોપર પણ ચિંતાનું કારણ બન્યા છે. જ્યારે અગાઉ હૉટસ્પૉટ ગણાતા જી-દક્ષિણ (વરલી), એમ-પૂર્વ (ગોવંડી), એફ-ઉત્તર (વડાલા), એલ (કુર્લા) અને એચ-પૂર્વ (બાન્દ્રા પૂર્વ)માં હાલ ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. 
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તરના પરા વિસ્તારમાં ગયા મહિને લૉકડાઉનમાં અપાયેલી છૂટછાટ બાદ લોકો માસ્કનો ઉપયોગ કરતા ન હી હોવાથી કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. વૉર્ડના એક સિનિયર અૉફિસરે જણાવ્યું કે મોટાભાગના પોઝિટિવ દરદીઓ લક્ષણવિહીન હોવાથી તેમને શોધી ફેલાવો અટકાવવાનું કામ ઘણું મુશ્કેલ છે. 
પાલિકાએ હાઉસિંગ સોસાયટીઓમાં જઈ તેમને માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિગના મહત્ત્વ અંગેની જાણકારી આપવાનું નક્કી કર્યું છે. 
ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકરવારે કહ્યુ કે, જો એક જ પરિસરમાં કેસ સતત વધતા રહ્યા તો અમારે સમગ્ર બિલ્ડિંગને સીલ કરવા જેવા કડક પગલાં ભરવા પડશે. અહીં ટ્રાસિંગ, ટેસ્ટિગ એન્ડ ટ્રાટિંગ પૉલિસીનું આક્રમક પણે પાલન થઈ રહ્યું છે. એ સાથે પાલિકાના નવા અભિયાન માય ફૅમિલી માય રિસ્પોન્સિબિલિટીને અમલમાં મુકાઈ રહ્યો છે. ઉપરાંત ભીડભીડવાળા સ્થળે કોઈ માસ્ક વગર પકડાશે તો એની પાસે દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. 
તો બીજા ક્રમાંક પર આવતા પી-ઉત્તર (મલાડ) વૉર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબ્રેએ કહ્યું કે વૉર્ડમાં વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેથી વહેલી તકે સંક્રમિત હોવાની જાણ થઈ શકે. એ સાથે વૉર્ડ અૉફિસરે મચ્છી માર્કેટને ચેતવણી આપી હતી કે જો તેઓ ભીડને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ જશે તો માર્કેટ બંધ કરાશે. 
શહેરના 24માંથી માત્ર પાંચ વૉર્ડમાં પાંચ હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. જેમાં બી (ડોંગરી), સી (કાલબાદેવી), એ (કોલાબા), આર-ઉત્તર (દહીસર) અને એમ-પશ્ચિમ (ચેમ્બુર). આર-ઉત્તર વૉર્ડમાં તાજેતરમાં કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે અને એક અઠવાડિયામાં આર-મધ્ય (બોરીવલી) બાદ બીજા ક્રમાંક પર પહોંચ્યો છે. 
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer