ભાજપ સરકારના કાળમાં માજી સૈનિક પર થયેલા હુમલાની તપાસ કરાવશે ઉદ્ધવ સરકાર

મુંબઈ/જળગાવ, તા. 15 : મહારાષ્ટ્ર સરકાર ભીંસમાં સપડાય ત્યારે એને જૂના કેસો બહાર કાઢવાની ટેવ પડી ગઈ હોય એવું લાગે છે. અભિનેત્રી કંગનાને સાણસામાં લેવા તેની સામેનો 2016નો એક ઈન્ટરવ્યુ શોધી મુંબઈ પોલીસને તેના ડ્રગ્સ કનેકશનની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે હવે રાજ્યમાં ફડણવીસની સરકાર હતી ત્યારે એક માજી સૈનિક પર ભાજપના વિધાનસભ્યએ કરેલા હુમલાના કેસની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. 
2016માં જળગાવ જિલ્લના ચાલીસગાવમાં ભાજપના વર્તમાન સાંસદ ઉન્મેષ પાટિલે માજી સૈનિક સોનુ મહાજનના ઘરમાં ઘુસી તેમના પર હુમલો કરેલો. આ હુમલાની તપાસ કરાવવાનો આદેશ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આપ્યો છે. એ સમયે ઉન્મેષ પાટિલ વિધાનસભ્ય હતા. એ વખતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી અને એણે કોઈ કાર્યવાહી કરી નહોતી. 
અનિલ દેશમુખે કહ્યું હતું કે ભાજપ સરકારે એ વખતે આ ઘટનાની એફઆઈઆર પણ ફાઈલ કરી નહોતી. 2019માં કોર્ટના આદેશ બાદ એફઆઈઆર ફાઈલ કરવાની પોલીસને ફરજ પડી હતી. જોકે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ બાબત હવે ધ્યાનમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 
કાંદિવલીમાં નેવીના પૂર્વ ઓફિસર પર શિવસૈનિકોના હુમલા બાદ મહારાષ્ટ્ર સરકારની થઈ રહેલી ટીકા બાદ કોંગ્રેસના નેતા સચિન સાવંતે જળગાવ જિલ્લાની ઘટના વિશે ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે ભાજપ સરકારે એ વખતે કેમ કોઈ પગલા લીધા નહોતા.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer