બેસ્ટના કર્મચારીઓને પગારમાં મળશે દોઢ હજાર રૂપિયાનું ચિલ્લર

મુંબઈ, તા. 15 : બેસ્ટ કર્મચારીઓને અૉગસ્ટના પગારમાં દોઢ હજાર રૂપિયાનું ચિલ્લર તો 12 હજાર રૂપિયા ચલણી નોટ સ્વરૂપે ચુકવવાનો નિર્ણય બેસ્ટ પ્રશાસને લીધો છે. આ અંગેનો પરીપત્ર સોમવારે જારી કરવામાં આવ્યો હતો. બાકીનો પગાર બૅન્કમાં જમા થશે. 15 સપ્ટેમ્બરથી કર્મચારીઓને પગાર આ રીતે ચુકવવામાં આવશે. 
ભાડામાં ઘટાડો કરાયા બાદ બેસ્ટની ટિકિટના દર પ્રત્યેક પાંચ કિલોમીટર માટે પાંચ રૂપિયા કરાયો છે. લૉકડાઉન અગાઉ બેસ્ટ પાસે મોટાપાયે ચિલ્લર જમા થતું હતું. તેથી બેસ્ટ પ્રશાસને છેલ્લા થોડા મહિનાથી એના કર્મચારીઓને પગારની ચોક્કસ રકમ ચિલ્લર સ્વરૂપે આપવાનો નિર્ણય લીધો હતો. એ મુજબ દર મહિને ચોક્કસ રકમ 5 અને 10 રૂપિયાના સિક્કા આપવામાં આવે છે. માર્ચ મહિનાથી પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ હતી પણ હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને સંખ્યા 16 લાખ પર પહોંચી છે. આથી બેસ્ટ પાસે ફરી મોટા પાયે ચિલ્લર જમા થવા લાગ્યુ છે. 
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer