કોરોનાની રસી ચીનથી જ આવશે

નવી દિલ્હી, તા.15: ચીનના શહેર વુહાનમાંથી નીકળીને કોરોના વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી દીધા બાદ હવે ચીનથી જ એક ખુશખબરી પણ આવી રહી છે. કારણ કે ચીન દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી રસી આ વર્ષે જ નવેમ્બર સુધીમાં સામાન્ય જનતાનાં વપરાશ માટે ઉપલબ્ધ બની શકે છે.
દુનિયામાં જેટલી પણ રસીઓ ઉપર અત્યારે પરીક્ષણો ચાલી રહ્યા છે તેમાંથી મોટાભાગની રસીઓ આગામી વર્ષે જ આવવાનું અનુમાન છે. ત્યારે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં એક અધિકારીએ દાવો કર્યો છે કે, નવેમ્બર સુધીમાં કોરોના વાયરસની રસી આવી જશે.
વાસ્તવમાં ચીનની ચાર રસી પરીક્ષણોનાં અંતિમ તબક્કામાં છે. તેમાંથી ત્રણ રસીને તો જુલાઈમાં જ ચીને પોતાનાં કોરોના વોરિયર્સને આપી પણ દીધી છે. સીડીસીની પ્રમુખ અને બાયોસેફ્ટીની નિષ્ણાંત ગુજેન વૂએ એક સમાચાર સંસ્થાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, કોરોનાની રસીનાં ત્રીજા ચરણનાં પરીક્ષણો ઝડપથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. તેને ધ્યાને લેતા નવેમ્બર કે ડિસેમ્બરમાં તે આમજનતા માટે ઉપલબ્ધ બની શકે છે. 
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer