વસઈ-ભિવંડીનાં સ્ટોન ક્રશર યુનિટ અને ઈંટની ભઠ્ઠીઓ બંધ પડી

રૂા.100 કરોડની બૅન્ક લોન એનપીએ થવાની શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : તુંગારેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના ઈકો સેન્સિટિવ ઝોન હેઠળ પાયે, પાયેગાંવ, બ્રાહ્મણગાંવ, ખરડી નામનાં ચાર ગામના તમામ સ્ટોન ક્રશર એકમો અને ઈંટની ભઠ્ઠીઓ નવેમ્બર 2019થી બંધ પડી હોવાથી 10,000 આદિવાસી ગ્રામીણો, 5000 પરપ્રાંતીય મજદૂરો ઉપરાંત અૉપરેટરો, માઈનિંગ મજૂરો, ડ્રાઈવરો, મિકેનિક્સ, ઈલેટ્રિશિયન, ટ્રાન્સપોર્ટર્સ, હોટેલવાળાઓ, સુરક્ષા કર્મીઓ, હાઉસકાપિંગ વ્યવસાયીઓ બેકાર બની ગયા છે. આ ગામડાંનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. આ એકમોમાં રૂા. 190 કરોડનું જે મૂડીરોકાણ કરાયું છે તે વ્યર્થ ગયું છે, આમાં, રૂા. 100 કરોડની બૅન્ક લોનનો જે હિસ્સો છે તે એનપીએ થઈ જવાની દહેશત છે.  
તા. 24 ડિસેમ્બર 2018ના ગેઝેટમાં તુંગારેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના ઈકો સેન્સિટિવ ઝોનમાં આ ગામડાંનો સમાવેશ કરાયો હતો. આ સામે ગ્રામ પંચાયત, સ્થાનિક સાંસદ, વિધાનસભ્ય અને શ્રમિક સંગઠનના વિરોધને ગણકારવામાં આવ્યો નહોતો. 
તા. 6 માર્ચ 2019ના 34મી એક્સપર્ટ કમિટીની માટિંગ વેળા મહારાષ્ટ્ર સરકારે ઈકો સેન્સિટિવ ઝોનની સૂચિત સરહદોમાંથી આ ગામડાંઓને બાકાત રાખવાની ભલામણ કરી હતી, પણ કશું થયું નહોતું. ત્યાર બાદ તા. 18 જુલાઈ 2019ના મળેલી 36મી એક્સપર્ટ કમિટી માટિંગમાં મહારાષ્ટ્ર સરકારની વિનંતીને ફગાવી દેવાઈ હતી અને ગેઝેટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. તા. 11 સપ્ટેમ્બર 2019ની તારીખના તુંગારેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી ગેઝેટમાં મહારાષ્ટ્ર સરકારના વન વિભાગે ઈકો સેન્સિટિવ ઝોનમાં 381.757 હેક્ટર ખાનગી જમીન આવરી લીધી હતી અને તેમાં આ ચાર ગામડાંનો પણ સમાવેશ તેમાં થઈ ગયો હતો. આથી રેવન્યુ વિભાગ (કલેક્ટર)એ તા. 1 અૉક્ટોબર 2019ના સ્ટોપ વર્ક નોટિસ બહાર પાડતાં તમામ એકમો-ભઠ્ઠીઓ બંધ પડી ગયાં હતાં. 
પાયે બ્રાહ્મણગાંવ માઈનિંગ ઍન્ડ સ્ટોન ક્રશર્સ અૉનર્સ ઍસોસિયેશનના પ્રમુખ કાંતિલાલ ગણપત દેવલીકરે જણાવ્યું હતું કે આ ગામડાંઓની પથરાળ જમીન હોવાથી ખેતી થતી નથી. આથી આદિવાસી ગ્રામીણો માટે આવકનું બીજું સાધન નથી. દરેક ક્રશર યુનિટમાં 65થી 100 જણાને રોજગારી મળતી હતી. સીધી આડકતરી રીતે 20,000 માણસો બેકાર થઈ ગયા છે. આમાં મહારાષ્ટ્ર સરકારે રોયલ્ટીની કરોડો રૂપિયાની આવક ગુમાવી છે. આ ઉપરાંત જીએસટી અને આવકવેરાની આવક પણ સરકારે ગુમાવી છે.  
પાયે, બ્રાહ્મણણગાંવ માઈનિંગ ઍન્ડ સ્ટોન ક્રશર્સ અૉનર્સ ઍસોસિયેશનના માનદ્ મંત્રી સંજય એમ. શાહે માગણી કરી છે કે ઈકો સેન્સિટિવ ઝોનનું રી-ડીમાર્કેશન કરી તેની સરહદમાંથી આ ચાર ગામડાંઓને મુક્ત કરવાં જોઈએ. આ ચાર ગામડાં જંગલના ભાગરૂપ નથી અને બાજુની જમીન જંગલ નથી, પણ પથરાળ જમીન છે. અત્રે ગાઢ માનવ વસતી હોવાથી છેલ્લાં 20 વર્ષોમાં ક્યારેય કોઈ જંગલી પશુપ્રાણી દેખાયાં નથી.  
પાયે, પાયેગાંવ, બ્રાહ્મણગાંવ, ખરડી નામનાં ચાર ગામડાંઓના વિસ્તારમાંથી ઉત્તમ ગુણવત્તાનો કાળો પથ્થર મળે છે જે મુંબઈ, થાણા-કલ્યાણમાં ચાલતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં વપરાય છે. હવે આ ચાર ગામડાંઓમાં ઉત્પાદન બંધ થયા બાદ પથ્થર મનોર, વાડા, પાલઘર, ઉરણ, ગવાણ, ઍરિયામાંથી મગાવવામાં આવે છે, પણ તે હલકી ગુણવત્તાનો પથ્થર છે. વળી આ વિસ્તારો મુંબઈ-થાણેથી દૂર હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ઘણો વધી જાય છે.  ઍસોશિયેશને મહારાષ્ટ્ર સરકાર તેમ જ કેન્દ્રના એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે, પણ કશું થતું નથી.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer