કરણ જોહરે યોજેલી ડ્રગ પાર્ટી સામે ફરિયાદ

કરણ જોહરે યોજેલી ડ્રગ પાર્ટી સામે ફરિયાદ
નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ તપાસની ખાતરી આપી 
મુંબઈ, તા. 16 : વોટ્સપર ફરતી બોલીવૂડની એક ડ્રગ પાર્ટીની વિડિયો ક્લીપને લઈ શિરોમણી અકાલી દળના એક નેતાએ ફિલ્મમેકર કરણ જોહર અને બોલીવૂડની અન્ય કેટલીક હસ્તીઓ સામે નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોમાં ફરિયાદ નોંધાવી છે. આ ડ્રગ પાર્ટી કરણ જોહરના ઘરે યોજાઈ હતી  અને એમાં ફિલ્મી હસ્તીઓ હાજર હતી. 
શિરોમણી અકાલી દળના નેતા મનજીન્દર સિરસાએ કહ્યું હતું કે હું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ચીફ રાકેશ અસ્થાનાને મંગળવારે દિલ્હીમાં આ સંદર્ભમાં મળ્યો હતો અને 2019ની કરણ જોહરની હાઉસ ડ્રગ પાર્ટી વિશે ફેરતપાસ કરાવાવાની માગણી કરી હતી. રાકેશ અસ્થાનાએ મને સકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો. મેં આ પાર્ટી વિશે મુંબઈ પોલીસને 2019માં તપાસ કરવા જણાવેલું, પણ મુંબઈ પોલીસે બધું ભીનું સંકેલી લીધેલું. મને આશા છે કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો આ કેસની તપાસ કરશે અને ફિલ્મ જગતના મોટા માથાઓના નામ બહાર આવશે. મારી મોહિમ અટકવાની નથી. હું મુંબઈ પોલીસ સામે પણ કોર્ટમાં કેસ કરવાનો છું. 
શિરોમણી અકાલી દળના નેતાએ કરણ જોહર, દીપિકા પાદુકોન, મલાઈકા અરોરા, અર્જુન કપુર, સાહિદ કપુર, વરૂણ ધવન, વિકી કૌશલ અને અન્યો સામે ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે આ બધાએ કરણ જોહરની હાઉસ ડ્રગ પાર્ટીમાં હાજરી આપેલી અને તેમણે ડ્રગ્સનું સેવન કરેલું, ડ્રગ્સ પોતાની પાસે રાખેલું અને કરણે ઘરમાં ડ્રગ્સ પાર્ટીને મંજૂરી આપી હોવાથી એ ગુનો બને છે. 
કરણ જોહરે જુલાઈ 2019મા આ હાઉસ ડ્રગ પાર્ટીનું આયોજન કરેલું. આ પાર્ટીની વિડિયો ક્લિપમાં જે અન્ય હસ્તી દેખાય છે એમા મીરા રાજપુત કપુર, નતાશા દલાલ, ઝોયા અખ્તર, આયાન મુખરજી અને રણબીર કપુરનો સમાવેશ છે. આ વિડિયો કરણ જોહરે ઉતારેલો અને વિડિયોનો આરંભ દીપિકા પાદુકોનથી થાય છે. વિડિયોના અંતમાં રણબીર કપૂર એવો સવાલ કરે છે કે કરણ જોહર આ શું રેકોર્ડિંગ કરી રહ્યો છે અને મીરા રાજપુત કેમેરા તરફ હાથ હલાવી રહી છે. વિડિયોમાં ટેબલ પર સફેદ પાવડર પણ પડેલો દેખાય છે. આ પાવડર શું છે એ ચર્ચાનો વિષય છે. 
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer