અણધાર્યા લૉકડાઉનથી ગરીબો બેહાલ: કૉંગ્રેસ

અણધાર્યા લૉકડાઉનથી ગરીબો બેહાલ: કૉંગ્રેસ
કોરોનાના મુદ્દે રાજ્યસભામાં સરકારને ઘેરવાનો વિપક્ષોનો પ્રયાસ: ભાજપનો જવાબ, બેવડું વલણ શા માટે ?
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.16: રાજ્ય સભામાં કોરોના વાયરસ અંગેની પ્રથમ ચર્ચામાં વિરોધ પક્ષોએ મહામારીના સામનાને લઇને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે આજે સંક્રમણના પ્રસારને અટકાવવા માટેના સરકારનાં પગલાં સામે સવાલો ઉઠાવ્યા હતા અને લોકડાઉન દરમિયાન જીવ ગુમાવનારા પ્રવાસી શ્રમિકો અને ગરીબોને વળતરની માગ કરી હતી.
રાજ્યસભામાં  સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનાં નિવેદન પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે કોઇ પણ આયોજન વગરના લોકડાઉનને પગલે પ્રવાસી શ્રમિકો અને ગરીબોને ભારે હાલાકી વેઠવી પડી. લોકડાઉનની અચાનક અને અણધારી જાહેરાત પાછળના તર્કથી સરકારે ગૃહને માહિતગાર કરવું જોઇએ.
લોકડાઉનને લીધે અંદાજે 14થી 29 લાખ કેસ અને 37000થી 78000 મૃત્યુ નિવારી શકાયા હોવાના ડો. હર્ષવર્ધનના દાવાને પડકારીને શર્માએ કહ્યું હતું કે ક્યાં વૈજ્ઞાનિક આધારે આપણે આ તારણ પર પહોંચ્યા એ તેમણે ગૃહને જણાવવું જોઇએ. આંકડાઓમાં મોટો ગાળો છે.
શર્માના નિવેદનના જવાબમાં ભાજપ સાંસદ વિનય સહત્રબુદ્ધેએ જણાવ્યું હતું કે લોકડાઉનના પગલાંની ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામે કેટલીક બેઠકો યોજી હતી અને એ દરમિયાન તેમણે કોઇ વાંધા ઉઠાવ્યા ન હોતા. વિપક્ષોએ આવા બેવડા અભિગમને ટાળવો જોઇએ. સરકારે લોકડાઉન દરમિયાન ગરીબોને રાહત માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર યોજના તેમજ અન્ય  કેટલીક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી હતી.
તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું હતું કે કોરોનાના સામના માટે રાજ્યો સાથે કામ કરવાનો વિવેક સરકારે દાખવવો જોઇએ. તમે મહામારીનો ઉપયોગ લોકશાહીને સરમુખત્યાર શાહીમાં ફેરવવા માટે કરી શકો નહીં.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer