અર્થતંત્ર ફરી ચેતનવંતુ : એપ્રિલની તુલનાએ સપ્ટેમ્બરમાં રોજગાર વધ્યા

મુંબઈ, તા.17 : કોરોના અને લૉકડાઉનને લીધે એપ્રિલ મહિનામાં નોકરી ગુમાવનારા લોકો માટે સારા સમાચાર છે. એપ્રિલ મહિનામાં ઘટી ગયેલી નોકરીઓ હવે વધવા લાગી છે. નોકરી ડૉટ કોમના નોકરી જોબ સ્પીક ઈન્ડેક્સ અનુસાર રિયલ એસ્ટેટ તથા પ્રોપર્ટી, ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન તથા હેવી મશીનરી, ઓટો, હોટેલ, રેસ્ટોરાં, એરલાઈન્સ અને ટ્રાવેલ સહિત કુલ 19 ઔદ્યોગિક સેક્ટરમાં એપ્રિલની તુલનાએ સપ્ટેમ્બરમાં નિમણૂક વધી છે. સારા સંકેત ઈપીએફઓએ પણ આપ્યા છે. નવેમ્બરમાં ઇપીએફઓમાં યોગદાન આપનારી કંપનીઓની સંખ્યા 51% એટલે કે 1.71 લાખ વધીને 5.04 લાખ થઈ ગઈ. જોકે એપ્રિલમાં આ સંખ્યા 3.33 લાખ રહી ગઇ હતી. ઇપીએફઓમાં સભ્યોની સંખ્યા 19% વધી ગઈ છે. 
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશનના સીઈઓ સહર્ષ દામાણી કહે છે કે અમારી ઈન્ડસ્ટ્રી આશરે 46 લાખ રોજગારી આપે છે. ઓટો રિટેલમાં અપવાદને છોડી જોબ ગઈ નથી. ફાડા સાથે સંકળાયેલા 26,500 ડીલર આઉટલેટ છે તે બધાં ખૂલી ગયાં છે. 
ક્લાથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના રાહુલ મહેતા કહે છે કે આ ક્ષેત્રમાં 1.2 કરોડ લોકો કામ કરી રહ્યા છે. આશરે 65 લાખ પ્રવાસી મજૂરોમાંથી 35 લાખ કામ પર આવી ગયા છે. એક્સપોર્ટમાં સુધારો થયો છે.Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer