જીડીપી સુધરવાની આશાએ શૅરબજારો નવી ઊંચાઇએ

જીડીપી સુધરવાની આશાએ શૅરબજારો નવી ઊંચાઇએ
ફાઇનાન્શિયલ સેક્ટર્સની કંપનીઓના શૅરમાં ધૂમ ખરીદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : કોરોના વેક્સિનમાં વિવિધ કંપનીઓને મળી રહેલી સફળતા અને આરબીઆઇ સાથે ગોલ્ડમૅન સેશ દ્વારા ભારતના જીડીપીમાં આવનારા સમયમાં થનારા સુધારાની આગાહીથી શૅરબજારોમાં આજે તેજીનો દોર જળવાઇ રહ્યો હતો. ફાઇનાન્શિયલ સેક્ટર્સની કંપનીઓના શૅરમાં ધૂમ ખરીદીના કારણે સેન્સેક્ષ 315 પોઇન્ટ્સ વધી 43,953ના નવા ઊંચા શિખરે અને નિફ્ટી 94 પોઇન્ટ્સ વધી 12,874 પોઇન્ટ્સ ઉપર બંધ આવ્યા હતા. સેન્સેક્ષ આજે સવારે ટૂંકા સમય માટે 44,000ના અંકને સ્પર્શી પાછો ફર્યો હતો. 
સેન્સેક્ષ અને નિફ્ટીમાં ચોમેર ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આજની રૅલીમાં બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટકૅપ 170.59 લાખ કરોડને પાર કરી ગઇ હતી. 
બ્રોડર માર્કેટમાં મિડ કેપ એક ટકો અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.88 ટકા વધીને બંધ થયા હતા. 
સેક્ટર્સમાં બૅન્ક અને મેટલ શૅર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. બૅન્ક નિફ્ટી બે ટકાથી વધુ વધ્યો હતો જ્યારે મેટલ નિફ્ટી 2.5 ટકા વધ્યો હતો. 
વૈશ્વિક બજારો
કોરોના વેક્સિનમાં થયેલી પ્રગતિના કારણે અમેરિકન શૅરબજારો તેજી જોઇને આજે સવારે એશિયન શૅરબજારો તેજી સાથે બંધ આવ્યા હતા. જપાનનો નિક્કી 0.42 ટકા, હેંગસેંગ 0.13  ટકા વધીને જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પી 0.15  ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપના બજારો નરમાઇ સાથે શરૂ થયા હતા. 
યુરોપના બજારોમાં જર્મન ડેક્સ 0.34 ટકા, લંડન શૅરબજાર 1.12 ટકા  અને ફ્રાન્સનો સીએસી 0.24 ટકાના ઘટાડા સાથે ટ્રેડમાં હતા.
કૉમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 6 સેન્ટ ઘટી 43.76 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 0.70 ડૉલર ઘટી 1887.10 ડૉલર રનિંગ હતું.Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer