ભારતનો જીડીપી નાણાવર્ષ 2022માં 13 ટકા થશે : ગોલ્ડમેન સેસ

ભારતનો જીડીપી નાણાવર્ષ 2022માં 13 ટકા થશે : ગોલ્ડમેન સેસ
નવી દિલ્હી, તા. 17 : ગોલ્ડમેન સેસએ તેમના ભારત માટેના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને -14.8 ટકાથી સુધારીને -10.3 ટકા કર્યો છે. જ્યારે નાણાવર્ષ 2021-22માં જીડીપી ઝડપથી સુધરી 13 થશે, એવી આગાહી ગોલ્ડમેન સેસએ કરી છે. આવતા નવા નાણાવર્ષમાં ભારતનો જીડીપી તીવ્ર ગતિએ સુધરીને 13 ટકા થશે, એમ આ ઈન્વેસ્ટમેન્ટ બૅન્કે તેના તાજા અહેવાલમાં જણાવ્યું છે.
કોવિડને મારક રસી વિકસાવવાની અને તેની સફળતાની વિવિધ કંપનીઓ દ્વારા થઈ રહેલી જાહેરાતથી ભારતનો વિકાસ નવા મૂડીરોકાણથી તીવ્ર ગતિએ વધશે, એમ ગોલ્ડમેન સેસનું માનવું છે. 
વિશ્વની મોટી કંપનીઓ દ્વારા મોટાં 
રોકાણ અને તેના ફળસ્વરૂપે ઉત્તમ વૃદ્ધિદરથી જીડીપી નાણાવર્ષ 2022માં ઝડપથી સુધરીને 13 ટકા થશે, એમ ગોલ્ડમેને તેના અહેવાલમાં જણાવ્યું છે.
ડિસેમ્બરમાં ત્રિમાસિકમાં જીડીપી સકારાત્મક રહેશે : આરબીઆઈ
આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિનો સિલસિલો આગામી બે માસ પણ જારી રહે તો ભારતીય અર્થવ્યવસ્થા ડિસેમ્બર ત્રિમાસિકમાં પોઝિટીવ ગ્રોથ આપી શકે છે. રિઝર્વ બેન્કે પોતાના માસિક બુલેટિનમાં ઉક્ત અનુમાન વ્યક્ત કર્યું છે. 
કેન્દ્રીય બેન્કે ઓક્ટોબરના આંકડાઓનો હવાલો આપતા જણાવ્યુ હતુ કે, આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સંભાવના વધી છે. ગ્રાહક અને કારોબારી વિશ્વાસમાં પણ મજબૂતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, અર્થવ્યવસ્થા ગત છ માસથી મંદીનો સામનો કરી રહી છે. અગાઉ આર્થિક ગતિવિધિઓમાં તેજી માટે અનલોક બાદની વધતી માગને કારણભૂત દર્શાવી હતી. પરંતુ સપ્ટેમ્બરમાં આર્થિક ગતિવિધિઓમાં આવેલી તેજી ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ જળવાઈ રહી છે. 
આર્થિક ગતિવિધિઓમાં સુધારાનો આશાવાદ અગાઉની તુલનાએ મજબૂત રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે કોરોના પ્રભાવિત અર્થવ્યવસ્થાને ટેકો આપવા રોકડ વધારવાના ઉપાયોની તબક્કાવાર જાહેરાતો કરી હતી. કેન્દ્રીય બેન્કે ઈકોનોમિક ગ્રોથ વધારવા માટે ફેબ્રુઆરી,2019થી અત્યારસુધી રેપો રેટમાં 250 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. 
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, અર્થતંત્રમાં તેજીની ગાડી ફરી પાછી પાટા પર ફરતા તેને નડતા પડકારોની ઓળખ કરવી પણ જરૂરી છે. કેન્દ્રીય બેન્કે ત્રણ જોખમો રજૂ કર્યા છે. 
ફુગાવાને અંકુશમાં લેવા પુરવઠા સંચાલને પગલાં લીધા છે. તેમ છતાં, ફુગાવામાં ઘટાડાનો કોઈ સંકેત મળી રહ્યો નથી. ફુગાવામાં અસ્થિરતાના કારણે નીતિગત દરમિયાનગીરીઓની વિશ્વસનીયતામાં નુકસાન થયું છે. 
વિશ્વની અર્થવ્યવસ્થા કોરોનાનો બીજા તબક્કાનો સામનો કરી રહી છે. જેના દ્રારા થતા નુકસાનમાંથી અર્થવ્યવસ્થાને બચાવવી જરૂરી છે. જો કોમોડિટીના ભાવમાં વધારાને કારણે વિદેશી માંગમાં ઘટાડો થયો હોય તો દેશની નિકાસમાં નોંધાયેલી રિકવરી પડી ભાંગશે. 
આર્થિક વિકાસના માર્ગમાં ત્રીજો મોટો પડકાર એ કોરોના રોગચાળાને કારણે દેશના સામાન્ય લોકો અને કંપનીઓ પર થયેલી આર્થિક અસર છે. આને કારણે દેશના નાણાકીય ક્ષેત્રને પણ ફટકો પડી શકે છે. 
આરબીઆઇએ જણાવ્યું છે કે, ભારતનો ઈકોનોમિક એક્ટિવિટી ઈન્ડેક્સ ડાયનેમિક ફેક્ટર મોડલનો ઉપયોગ કરતાં 27 માસિક ઈન્ડિકેટરમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જે અનુસાર, મે/જૂનથી લોકડાઉન દૂર થયા બાદથી ઝડપથી રિકવરી થઈ રહી છે. સર્વિસ સેક્ટરની તુલનામાં ઉદ્યોગમાં પરિસ્થિતિ વધુ સામાન્ય બની રહી છે. 
જીડીપીના ડાયનેમિક્સને બારીકાઈથી ટ્રેક કરતો ઈન્ડેક્સ દર્શાવે છે કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ 
(-) 8.6 ટકા હતો. જ્યારે સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લાગુ લોકડાઉનને કારણે જીડીપી ગ્રોથ શૂન્યથી નીચે (-) 23.9ના રેકોર્ડ તળિયે નોંધાયો હતો. ઈકોનોમિક એક્ટિવિટી ઈન્ડેક્સનો ઉપયોગ કરી શકે છે.Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer