કોરોનાના વધતાં કેસને કારણે અૉસ્ટ્રેલિયન ખેલાડીઓને એરલિફ્ટ કરીને સિડની પહોંચાડાયા

કોરોનાના વધતાં કેસને કારણે અૉસ્ટ્રેલિયન ખેલાડીઓને એરલિફ્ટ કરીને સિડની પહોંચાડાયા
સિડની, તા. 17 : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે પોતાના ખેલાડીઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દીધા છે. ભારત સામે રમાનાર શ્રેણીમાં સામેલ ખેલાડીઓને વેસ્ટર્ન અૉસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ક્વીન્સ લૅન્ડથી ન્યૂ સાઉથ વેલ્સ (સિડની) પહોંચાડાયા છે. ભારત સામેની શ્રેણીમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
અૉસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન, મેથ્યુ વેડ, માર્નસ લબુશાને, જો બર્ન્સ, માઇકલ નાસિર, મિશેલ સ્વેપ્સન, કેમરન ગ્રીન, ટ્રેવિસ હેડ અને કેન રિચાર્ડસન જેવા ખેલાડીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓને ન્યૂ સાઉથ વેલ્સ શિફ્ટ કરવામાં આવ્યા છે. 
સાઉથ અૉસ્ટ્રેલિયામાં વધી રહેલા કોરોના કેસને કારણે સોમવારે વેસ્ટર્ન અૉસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ક્વીન્સલેન્ડે પોતાની સરહદો સીલ કરી દીધી હતી. બિગ બૅશ લીગની ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સ અને સાઉથ અૉસ્ટ્રેલિયા સહિતની અનેક ટીમોના ખેલાડીઓને ન્યૂ સાઉથ વેલ્સના કોફ્સ હાર્બરમાં શિફ્ટ કર્યા. 
એડિલેડમાં કોરોનાને કારણે વેસ્ટર્ન અૉસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને નોર્ધર્ન ટેરિટરી જેવા ઘણા રાજ્યોએ પોતાની સીમાઓ સીલ કરી દીધી છે. સાથે જ સોમવારે એડિલેડથી આવનાર તમામ લોકોને 14 દિવસ ક્વૉરેન્ટાઈન કરવાનો આદેશ જારી કર્યો છે. એડિલેડમાં રવિવારે કોરોનાના ચાર કેસ સામે આવ્યા હતા. જ્યારે, સોમવારે આ આંકડો વધીને 17 સુધી પહોંચી ગયો હતો. તે પછી મંગળવારે વધુ પાંચ કેસ સામે આવ્યા હતા.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer