સંસદનું શિયાળુ સત્ર વિલંબથી શરૂ થશે અથવા બજેટ સત્ર સાથે યોજાશે?

અમારા પ્રતિનિધિ તરફથી 
નવી દિલ્હી, તા. 17 : દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં એકાએક જોવા મળેલા ઉછાળાને કારણે સંસદનું શિયાળુ સત્ર કદાચ વિલંબમાં મુકાશે અથવા બજેટ સત્ર સાથે વિલિન કરાય એવી શક્યાતા છે. દિલ્હીમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 
આ બાબતે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. શિયાળુ સત્ર નજીક છે ત્યારે કોરોનાના પ્રકોપમાં કોઈ કમી આવી નથી. લોકો કોરોનાથી બચવાના નિયમો સુદ્ધા પાળતા નથી. સરકારમાં ટોચના નેતાઓ અને અધિકારીઓને ચેપ લાગે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે સરકાર પાસે શિયાળુ સત્રને વિલંબથી યોજવા અથવા બજેટ સત્ર સાથે વિલિન કરવા સિવાય કોઈ ઉપાય નથી. 
સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કે પછી ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શરૂ થાય છે. જ્યારે બજેટ સત્રનો જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આરંભ થાય છે. કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરાય છે.  સંસદનું ચોમાસું સત્ર પણ કોરોનાના પ્રકોપ વચ્ચે યોજાયું હતું અને એ આઠ દિવસ ટૂંકાવવામાં આવ્યું હતું. આ સત્ર 24 સપ્ટેમ્બરે પૂરું થયું હતું. આ સત્રમાં અનેક  સાંસદો, સંસદના કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. સત્ર બાદ ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુને પણ કોરોના થયો હતો. 
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer